ઇન્ટરનેટ પર આમ તો બધી મજા જ મજા છે, પણ થોડા લોચા પણ છે. એક તો, ઇન્ટરનેટ પર એટલું બધું જોવાનું, વાંચવાનું, સમજવાનું, માણવાનું કે ઉપયોગમાં લેવાનું છે કે ક્યાંથી શરૂઆત કરવી એ જ ખબર પડતી નથી. બીજો મોટો વાંધો એ છે કે ઇન્ટરનેટ પર જેટલું સારું છે એના કરતાંય ક્યાંય ગણો વધુ તો નકામો કચરો છે. ત્રીજી મુશ્કેલી વળી એ છે કે આ બંને પ્રકારનું કન્ટેન્ટ પેલી વાર્તાની રાજકુમારીની જેમ દિવસે ન વધે એટલું રાત્રે વધતું રહે છે. આમાં કરવું શું?
‘સાયબરસફર’ના ઘણા વાચકો, જે હજી ઇન્ટરનેટના નવા નવા પરિચયમાં આવ્યા છે, તેઓ તેમના મેઇલમાં નિખાલસતાથી લખે છે કે નેટ પર એક બે જગ્યાએ એકાઉન્ટ તો ખોલાવ્યાં છે, પણ પછી આગળ શું કરવું એની સમજ પડતી નથી! એટલું ઓછું હોય તેમ આપણી આસપાસના સર્કલમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકો પણ ઓછા દેખાય તો તો વળી ઓર મુશ્કેલી. હાથમાં મોબાઇલ હોય, પણ સામે વાત કરવાવાળું કોઈ ન હોય એવી હાલત થાય!
આવી સ્થિતિમાં, સૌથી સારો ઉપાય ઇન્ટરનેટ પર બીજા લોકો શું કરે છે, શું જુએ છે એ જાણવાનો છે. વાચકોને યાદ હશે કે અગાઉ આપણે વેબસાઈટની વાત કરી હતી, જેમાં આપણા જેવો રસ ધરાવતા લોકોએ જે વેબસાઈટને સારી કે ઉપયોગી ગણાવી હોય એના સુધી સહેલાઈથી પહોંચવાની સગવડ મળે છે. એ પ્રકારની, પણ થોડી જુદી સવલત કરી આપે છે.
શું છે આ ડિગ? ટૂંકમાં કહી શકાય કે ઇન્ટરનેટ પર મારીતમારી જેમ જે અસંખ્ય લોકો ખાંખાખોળાં કરતા રહે છે એમને જે કંઈ સારું લાગે છે એ બધું જ ભેગું થાય છે એક વેબસાઈટ પર. ડિગમાં જોડાનારા લોકો એમના સર્ફિંગ દરમિયાન જે ન્યૂઝસ્ટોરી, ઇમેજ, વીડિયો, પોડકાસ્ટ વગેરે ઉપયોગી લાગે તેને ‘ડિગ’ કરે. ડિગની વેબસાઇટ પર આ ‘ડિગ’ થયેલી સામગ્રીની લિંક્સ એકત્ર થાય અને જુદા જુદા વિભાગમાં વહેંચાઈને આપણી સમક્ષ રજૂ થાય!
જેમ કે લોકોએ ‘ડિગ’ કરેલું કન્ટેન્ટ ડિગ.કોમ પર અત્યારે ટેક્નોલોજી, વર્લ્ડ એન્ડ બિઝનેસ, સાયન્સ, ગેમિંગ, લાઇફસ્ટાઇલ, એન્ટરટેઇન્મેન્ટ, સ્પોર્ટ્સ અને ઓફબીટ એવા અલગ અલગ વિભાગોમાં તારવીને રજૂ કરવામાં આવે છે. આ દરેકમાં પાછા પેટાવિભાગ પણ ખરા. તમે સાયન્સમાં સ્પેસના પેટાવિભાગમાં જાવ તો અમેરિકન સ્પેસ શટલ ડિસ્કવરીએ પાડેલા આકાશના અદભૂત ફોટોગ્રાફ પણ જોવા મળી જાય. પૃથ્વીની ઉપર આપણને જે આકાશ દેખાય છે, તે પૃથ્વીથી ૨૦૦ માઇલ ઊંચેથી, નીચે જોતાં કેવું લાગે એ જોવું હોય તો પહોંચો આ એડ્રેસ પર http://www.boston.com/bigpicture/2008/06/the_sky_from_above.html
‘ડિગ’ની વાત પડતી મૂકીને એ ફોટોગ્રાફ જોવા જવાનું મન થયું ને? તો એટલું યાદ રાખો કે ડિગ.કોમ પર આવું તો કેટકેટલુંય ‘બિગ’ જોવાકરવા મળી આવશે ધીરજ રાખીને ખાંખાંખોળાં કરો તો!
Filed under: સાયબરસફર | 1 Comment »
