સાચું શિક્ષણ કોને કહેવાય? કદાચ એ, જે આપણને શીખતાં શીખવે. શિક્ષણનો હેતુ જ્ઞાન આપવાનો નહીં, પણ કુતૂહલ કેળવવાનો છે. જિજ્ઞાસા જાગવી જોઈએ. અને સાચા શિક્ષક પણ એ જ, જે પોતે સતત શીખતા રહે.
‘સાયબરસફર’ની ગાડી આજે આમ શિક્ષણના પાટે ચઢી જવાનું કારણ છે કચ્છના આદિપુરની એક કૉલેજનાં ફેકલ્ટી વૈદેહીબહેન દેસાઈનો એક ઇ-મેઇલ. વૈદેહીબહેન એમના વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ તરફ પ્રોત્સાહતિ કરતાં રહે છે. જો બધા શિક્ષકો વૈદેહીબહેનને અનુસરે તો આપણી શિક્ષણ વ્યવસ્થામાં ધરમૂળથી પરિવર્તન આવી જાય, કેમ કે જ્ઞાનની આપણી શોધને અનેકગણી વિસ્તારવાની અફાટ શક્તિ છે ઇન્ટરનેટમાં. બસ, જિજ્ઞાસા હોવી જોઈએ.
એ માટે ઝાઝી મહેનત કરવાની પણ જરૂર નથી. લાખ દુ:ખોં કી એક દવાની જેમ, ગૂગલ આ માટે પણ આપણી સેવામાં હાજર છે. ગૂગલે ‘ગૂગલ ફોર એજ્યકેટર્સ’ નામે ખાસ શિક્ષકો માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં ગૂગલની વિવિધ સર્વિસીઝ, ટૂલ્સ કે સોફ્ટવૅરનો ક્લાસરૂમમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે તે શિક્ષકોને વિગતવાર સમજાવવામાં આવે છે.
ગૂગલ તો આપણને બધું સમજાવવા મથે છે, પણ આપણે પોતે સમજવાની વાત એ છે કે એજ્યુકેટર્સ એટલે માત્ર શિક્ષકો કે પ્રોફેસર્સ નહીં. જો આપણા બાળકની આખા વિશ્વ કે જ્ઞાનબ્રહ્માંડ સાથે ફ્રેન્ડશીપ કરાવવી હોય તો ગૂગલ ફોર એજ્યુકેટર્સ આપણા માટે પણ કામનું છે.
ગૂગલ લગભગ કોઈ વાતે કાચું રાંધતું નથી, એટલે અહીં પ્રિન્ટ કાઢીને ક્લાસરૂમમાં (અને આપણા ઘરમાં!) લગાવી શકાય એવાં, બાળકોને ગમે તેવાં પોસ્ટર્સ પણ તૈયાર કરીને મૂકવામાં આવ્યાં છે. જેમ કે, ગૂગલ એટલે સર્ચનો પર્યાય એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ નાનાં બાળકો માટે સર્ચ કરીએ ત્યારે કઈ વાતનું ધ્યાન રાખીએ તો સહેલાઈથી ધાર્યાં પરિણામ મળે તે સમજાવતું પોસ્ટર અહીં મળશે.
શાળાઓમાં કમ્પ્યૂટરના ક્લાસમાં વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ વગેરે શીખવવામાં આવે છે. ગૂગલ આ જ પ્રકારના પ્રોગ્રામ ઓનલાઇન આપે છે. તેનો વિદ્યાર્થીઓ કઈ રીતે ઉપયોગ કરી શકે તે અહીં જાણી શકાય છે. ગૂગલનો સ્કેચઅપ પ્રોગ્રામ ડાઉનલોડ કરીને બાળકો જુદી જુદી ઇમારતો કે ચીજવસ્તુનાં ૩-ડી મોડેલ સર્જી શકે છે. બાળક એક વાર એનો ઉપયોગ કરે તો ક્રિએટિવિટીની, એની ને આપણી, બિલકુલ નવીનક્કોર સમજ કેળવાય!
સૌથી રસપ્રદ છે ગૂગલ અર્થ, ગૂગલ મૅપ અને ગૂગલ સ્કાય. બાળકો આ ત્રણ પ્રોગ્રામનો ઉપયોગ કરતાં થાય તો એમને ક્લાસરૂમમાં ઇતિહાસ, ભૂગોળ, ખગોળવિજ્ઞાન વગેરે ક્યારેય બોરિંગ ન લાગે એની ગેરંટી.
આ બધું જ ગૂગલ તરફથી છે, એટલે સમજવાનું કે વાપરવાનું બિલકુલ સરળ છે. શરત માત્ર ઉપર કહ્યું એટલી જ છે – આપણાં બાળકો માટે આપણામાં જિજ્ઞાસા હોવી જોઈએ! આપની જિજ્ઞાસા ચકાસવા જ અહીં ગૂગલ ફોર એજ્યુકેટર્સની સીધી લિંક આપી નથી – જાતે શોધી લો, પ્લીઝ!
Filed under: સાયબરસફર
સરસ લેખ!
ગૂગલ ફોર એજ્યુકેટર્સની સીધી લિંક ન આપવાનું કારણ આ તો નથી ને?
બિલકુલ સાચું! બંને કારણ છે.
ટીટીએક-ટુ-યુનીકોડના કન્વર્ટરમાં રહેલી ખામી તેમજ ત્યારબાદ વેબ સંસ્કરણ વખતે સંકલન અને માહીતીના અભાવના કારણે વેબ-એડીશનની ટીમ આવું વર્તન કરતી હોય છે તેવું ઘણી જગ્યાએ જોવા મળ્યુ છે, કદાચ દિવ્યભાષ્કરમાં પણ આ જ પરીબળ કામ કરતું હશે.
ડો. કલામના લેખમાં કદાચ કોઈ એ વચગાળાના ઉપાય તરીકે ધ્યાન આપીને જાતે પ્રેસથી લઈને વેબ-ઓફીસના ધક્કા ખાઈ ને સુધારો કરાવી લીધો હશે.
હમમ. આ પોસ્ટ પરથી મને પણ એક સરસ પોસ્ટની પ્રેરણા મળી છે, તો વોચ આઉટ!!
too gud