અનુભવ વહેંચવામાં જે મજા છે એ કદાચ અનુભવ કરવામાં પણ નહીં હોય. આપણી આ ‘સાયબરસફર’ના જામનગરસ્થિત એક વાચકમિત્ર શ્રી દિવ્યેશભાઈ પટેલે આવો લ્હાવો લૂંટ્યો અને એ સાથે એ ઇન્ટરનેટ પરની એક રસપ્રદ સાઇટ www.scribd.com તરફ આંગળી ચિંધ્યાનું પુણ્ય પણ કમાયા!
હજી ગયા અઠવાડિયે જ આપણે જેની વાત કરી એ ઇન્ટરનેટની બદલાતી તાસીરનું સરસ ઉદાહરણ છે આ સાઇટ. ઇન્ટરનેટ પર હવે યુઝર પોતે કન્ટેન્ટ જનરેટ કરે એવું વલણ વધતું જાય છે (જેને ‘વેબ ૨.૦’ કહેવાય છે અને સુરતના એક વાચકમિત્ર શ્રી પ્રતીક શાહના કહેવા પ્રમાણે હવે તો ઇન્ટરનેટના ભાવિ માટે ‘વેબ ૩.૦’ શબ્દ ચર્ચાવા લાગ્યો છે). એવું જ છે આ સ્ક્રાઇબ્ડમાં.
આ નવી દુનિયાની એવી લાઇબ્રેરી છે, જેમાં વાચકો પોતે સર્જક છે! અહીં તમે તમારા લખાણનું પ્રકાશન માઉસના બેત્રણ ઇશારે, મફતમાં કરી શકો છો. શરત માત્ર એટલી કે તમારી પાસે દુનિયાને વંચાવવા જેવું કંઈક લખાણ કોમ્પ્યુટરની ફાઇલના સ્વરૂપમાં હોવું જોઈએ. સાઇટ પર કરવામાં આવેલા દાવા મુજબ, માંડ એકાદ વર્ષ પહેલાં શરૂ થયેલી આ સાઇટ પર દર મહિને પોણા બે કરોડ લોકો જુદા જુદા પ્રકારનાં ડોક્યુમેન્ટ્સ જુએ છે અને સાઇટ પર ખડકાયેલાં ડોક્યુમેન્ટ્સના ૧૨ અબજ શબ્દોમાંથી તમને જોઈતા શબ્દને સર્ચ કરી આપે છે, પળવારમાં!
આ સાઇટ સિલિકોન વેલીના ત્રણ સાહસિકોનું સાહસ છે. આ ત્રણ મિત્રો એમના કોઈ સ્કૂલપ્રોજેક્ટના પેપરને ઇન્ટરનેટ પર મૂકવા માગતા હતા, પણ એમને કોઈ સહેલો ઉપાય ન જડ્યો. બસ, આટલામાંથી એમને આઇડિયા ક્લિક થયો કે દુનિયામાં આવા તો અસંખ્ય લોકો હશે, જે તેમનાં કોમ્પ્યુટરાઇઝડ ડોક્યુમેન્ટ્સ બીજા સાથે નેટ પર શૅર કરવા માગતા હશે, પણ જટિલ ટેક્નોલોજી આડે આવતી હશે. આટલી વાતમાંથી ઊભી થઈ વિશ્વની કદાચ સૌથી મોટી લાઇબ્રેરી!
આ સાઇટનો તમે બે રીતે લાભ લઈ શકો છો : એક તો બીજાનાં ડોક્યુમેન્ટ્સ, રીપોર્ટસ વગેરે વાંચવા માટે અને બીજું, તમારાં પોતાનાં ડોક્યુમેન્ટ્સ દુનિયા સમક્ષ મુકવા માટે. આ સાઇટ પર એક વાર તમારું એકાઉન્ટ ખોલાવી લેવું હિતાવહ છે, જેથી ઉપયોગી લાગતાં ડોક્યુમેન્ટ તમે ડાઉનલોડ પણ કરી શકો. આ માટે તમારે માત્ર યુઝરનેમ, પાસવર્ડ પસંદ કરવાનાં રહે છે અને ઇમેઇલ આઇડી આપવાનો રહે છે (એક આડ વાત, ઘણા વાચકમિત્રોના ઇમેઇલ પરથી લાગે છે કે ઘણા લોકો જુદી જુદી સાઇટ પર સાઇનઅપ થવા માટે તેમના કોઈ ઇમેઇલ એકાઉન્ટના જ યુઝરનેમ અને પાસવર્ડ આપે છે અને પછી નિરાશ થાય છે. નહીં મિત્રો, તમારે જુદી જુદી સાઇટ પર તમારી ઇચ્છા મુજબનાં નવાં યુઝરનેમ અને પાસવર્ડ આપીને એકાઉન્ટ ખોલાવવાનું હોય છે).
હા તો, સ્ક્રાઇબ્ડ પર મફતમાં એકાઉન્ટ ખોલાવી તમે માઇક્રોસોફ્ટ ઑફિસના વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ, પીડીએફ વગેરે ફાઇલ અપલોડ કરી શકો છો. એ જ રીતે, બીજાએ અપલોડ કરેલાં રિસર્ચ પેપર, પ્રોજેક્ટ રિપોર્ટ, પ્રેઝન્ટેશન, કવિતા, બાળવાર્તા, ટૂંકી વાર્તા, નવલકથા… વગેરે વગેરે સર્ચ કરી શકો છો. તમને જોઈતું ડોક્યુમેન્ટ શોધવા કદાચ મથવું પડે, પણ વિદ્યાર્થીઓ અને યંગ એક્ઝિક્યુટિવ્સ માટે ખરેખર ઉપયોગી સાઇટ છે.
Filed under: સાયબરસફર
Very Nice Tips
This site can be useful for Anyone who wants to get General Knowledge.