સાચ્ચું કહેજો તમે તમારા કમ્પ્યૂટરમાં, તમે પોતે તૈયાર કરેલી કોઈ ફાઇલ શોધી શોધીને કંટાળ્યા હો એવું ક્યારેક તો થયું જ હશે. અને જો તમને ઇન્ટરનેટ પર ગૂગલિંગની આદત હશે તો ઇન્ટરનેટની જેમ કમ્પ્યૂટરમાં સર્ચ કરવા માટે પણ ગૂગલ હોવું જોઈએ એવો વિચાર પણ આવ્યો જ હશે. વધુ એક ‘જો અને તો’ જો તમને ગૂગલિંગની સારી ફાવટ હશે તો તમારી સમસ્યાના ઉપાય સુધી પહોંચી જ ગયા હશો. હવે છેલ્લું ‘જો અને તો’ જો તમને ઉપાય ન મળ્યો હોય અને વારંવાર ફાઈલ શોધી શોધીને થાક્યા હો તો આગળ વાંચો!
જી હા, જેમ ગૂગલ ઇન્ટરનેટ પરનાં અસંખ્ય વેબપેજીસમાંથી તમને જોઈતાં પેજ શોધી આપે છે, બરાબર એ જ રીતે, તમારા કમ્પ્યૂટરમાં પણ સર્ચ કરવાની સગવડ કરી આપી છે ગૂગલે ગૂગલ ડેસ્કટોપ સર્ચ સ્વરૂપે. આમ તો, તમારે તમારી કોઈ ફાઇલ તમારા ડેસ્કટોપ પર સ્ટોર કરવી ન પડે, બધું જ ઓનલાઇન રહે અને ગમે ત્યાંથી એક્સેસ કરી શકાય એવી સ્થિતિ લાવવાની દિશામાં ગૂગલ કંપની આગળ વધી રહી છે, પણ એ દિવસો આવે ત્યાં સુધી આપણી લાઇફ ઇઝી કરવાની કૃપા પણ ગૂગલે કરી આપી છે. વિન્ડોઝમાં તમારા કમ્પ્યૂટરમાં સર્ચ કરવાની સુવિધા ઇનબિલ્ટ તો છે જ, પણ એમાં આ ગૂગલ ડેસ્કટોપ જેવી મજા નથી.
એવું તે શું છે ગૂગલ ડેસ્કટોપમાં એ જાણવા માટે પહેલાં પહોંચો www.desktop.google.com પર. અહીંથી ફક્ત એક ક્લિક કરીને ગૂગલ ડેસ્કટોપનો નાનકડો પ્રોગ્રામ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો. હવે તમારે કશું જ કરવાનું રહેતું નથી. ગૂગલ ડેસ્કટોપ તમારા કમ્પ્યૂટર પરની તમામ માહિતીનું ઇન્ડેક્સિંગ કરશે. તમે કમ્પ્યૂટરની દયા ખાધી હોય તો ઠીક છે, પણ એમાં ઠાંસોઠાંસ માહિતી ખડકી હોય તો આ પહેલી વારના ઇન્ડેક્સિંગમાં કલાકો લાગી શકે છે. એ કામ પૂરું થાય તે પછી, બિલકુલ ઇન્ટરનેટની જેમ, સર્ચબોક્સમાં એકબે શબ્દ લખીને તમે કમ્પ્યૂટર પરની જુદી જુદી ફાઈલ, કોન્ટેક્ટ્સ, જોયેલાં વેબપેજીસ, ઇમેઇલ વગેરે વગેરે ઘાસની ગંજીમાંથી સોય શોધવાનું કામ પલકવારમાં કરી શકશો.
ગૂગલ ડેસ્કટોપની બીજી મજા તેના ડેસ્કટોપ સાઇડબારમાં છે. વિન્ડોઝ વિસ્ટામાં આવો સાઇડબાર પ્રીઇન્સ્ટોલ્ડ હોય છે, વિન્ડોઝ એક્સપી વાપરતા હો તો ગૂગલ ડેસ્કટોપની મદદથી તેની સુવિધા માણી શકાય છે (ગૂગલ ડેસ્કટોપ અને માઇક્રોસોફ્ટની લડાઈ હવે આપણા ડેસ્કટોપ પર પહોંચી ગઈ છે!) વિસ્ટા હોય તો પણ ગૂગલ ડેસ્કટોપ વાપરી શકાય છે. આ સાઇડબારમાં, અસંખ્ય નાનાં નાનાં પણ કામઢાં રમકડાં (ગેજેટ્સ) ઉમેરી શકાય છે.
જેમ કે મથાળે જૂના જમાનાની ઘડિયાળ મૂકો, નાની નાની વાતની નોંધ કરવા પૅડ મુકો, કેલેન્ડર ઉમેરો, તમારા ઇમેઇલ અહીંથી જ ચેક કરો, અમદાવાદમાં કેવાંક વાદળાં છવાશે એ જાણો, રેલ્વે ટિકિટની પીએનઆર સ્ટેટસ જાણવાનું રમકડું ગોઠવો, ડિક્શનરી ગોઠવો… વર્ચ્યૂઅલ ફૂલનું કૂંડું ગોઠવી એમાં પાણી પાઓ અને ફૂલને ખીલતું જુઓ… આ બધું જ રહેશે તમારા ડેસ્કટોપ પર, તમારી આંગળીના ઇશારે કામ કરવા તત્પર બનીને.
ઉપયોગી છે, પણ જરા સંભાળજો, જાતભાતનાં રમકડાં ગોઠવવાની આદત પડશે તો તમારું કામ ખોટી થશે!
Filed under: સાયબરસફર
Article is good
Before start using make sure you read this.
http://desktop.google.com/enterprise/adminguide.html
Although there are some more security concerns there.
http://safecomputing.umich.edu/tools/download/gd_security.pdf