દિવાળીની રજાઓમાં ઉત્તર અને મધ્ય ભારતના પ્રવાસે જવાનું થયું. કોઈએ લખ્યું છે કે જિંદગી એક પુસ્તક સમાન છે ને જીવનમાં પ્રવાસ ન કરનાર વ્યક્તિ એ પુસ્તકનાં બહુ ઓછાં પાનાં વાંચી શકે છે. પ્રવાસે ગયા હોઈએ ત્યારે આ વાત પાછળનો મર્મ વધુ સ્પષ્ટતા સાથે સમજાય છે. દસેક દિવસના આ પ્રવાસમાં ત્રણેક વાત ચિત્ત પર કોરાઈ ગઈ. આજે એ ત્રણ વાતની વાત માંડીએ…
સક્રિય રહેવા કોઈ ઉંમર મોટી નથી…
જેવું ગુજરાતમાં અમદાવાદનું સ્થાન એવું મધ્ય ભારતમાં ઇન્દોરનું સ્થાન. મધ્ય પ્રદેશનું પાટનગર ભોપાલ સાવ ગાંધીનગર જેવું સરકારી શહેર નથી, સરસ મજાનું, ઝીલોથી શોભતું અને પ્રવૃત્તિઓથી ધમધમતું શહેર છે ભોપાલ, પણ મધ્ય પ્રદેશનું આર્થિક પાટનગર ઇન્દોર ગણાય છે. શહેરના નવા વિક્સેલા ભાગોમાં ફરો તો અમદાવાદના સી.જી. રોડ જેવા વૈભવી શોરૂમ્સ દેખાય, પણ ઇન્દોરનું રેલ્વે સ્ટેશન સાવ નાનું. અમદાવાદના 17-18 પ્લેટફોર્મવાળા સ્ટેશનની સરખામણીમાં તો એ સાવ નાનું. ગણીને પાંચ પ્લેટફોર્મ.
એવા ઇન્દોરના પાંચ નંબરના પ્લેટફોર્મ પર સ્ટેશનની કૅન્ટીનમાં શ્રી પવનકુમાર જૈન નામના એક સજ્જનને મળવાનું થયું. સામાન્ય રીતે સ્ટેશન કે બસસ્ટેન્ડ પરની કૅન્ટીનમાં જવાની વાત માત્રથી આપણે નાકનું ટીચકું ચઢાવીએ, પણ ઇન્દોરના પાંચ નંબરના પ્લેટફોર્મ પરની કૅન્ટીન એમાં સુખદ અપવાદ છે, પણ વાત કૅન્ટીનની નહીં એના સંચાલક પવનકુમારની છે.
પવનકુમાર સવારના 6થી રાતના 11 સુધી કૅન્ટીનમાં ખરેખર ખડેપગે રહે છે. સંચાલક ખરા, પણ વેઇટરની ભૂમિકા પણ એ પોતે ભજવે. ગોરો વાન અને હસતું મોં. આંખો પણ એવી જ હસતી. નાનાં પગથિયાં ચઢીએ એટલે ધીમું હસીને પ્રેમથી કહે, `આઇએ’. ટેબલે બેસી રહીએ ત્યાં પવનકુમાર આવીને પાણીના ગ્લાસ મૂકી જાય. ઓર્ડર લઈ જાય, કૅન્ટીનના રસોયા સુધી ઓર્ડર પહોંચાડે અને વાનગી તૈયાર થાય એટલે પોતે કીચનમાંથી પ્લેટસ લાવીને આપણી સામે મૂકે.
વાતમાં અહીં જ વળાંક છે.
પવનકુમાર આપણા ટેબલે પાણીના ગ્લાસ મૂકી જાય કે ઓર્ડર લઈ જાય ત્યાં સુધી તો આપણે પોતાની વાતોમાં કે વિચારોમાં મશગુલ હોઈએ એટલે પવનકુમાર બાજુ ખાસ ધ્યાન જાય નહીં, પણ થોડા ઠરીઠામ થયા પછી, પવનકુમારને પ્લેટ ઊંચકીને આપણી બાજુ આવતા જોઈએ ત્યારે કંઈક ખટકો થાય અને આપણે શરમાઈને પ્લેટ ઊંચકી લેવા સામે દોડીએ. તો એ પાછા પ્રેમથી આપણો હાથ પાછો ઠેલે અને ખભે હાથ મૂકી ફરી બેસાડી દે.
વાતની ગડ નથી બેસતીને? રેલ્વે સ્ટેશનની કૅન્ટીનમાં કોઈ એટેન્ડન્ટ કે વેઈટર આપણા ઓર્ડર પ્રમાણે પ્લેટ લઈ આવે એમાં શરમાવાનું શું અને પ્લેટ ઊંચકી લેવા દોડવાનું શું કારણ?
કારણ એટલું જ કે પવનકુમાર પૂરા 85 વર્ષના છે. સરસ ઠંડી ગુલાબી ઝાંયવાળું શર્ટ પહેરેલા પવનકુમાર પહેલી નજરે આટલા વૃદ્ધ હશે એવો અંદાજ પણ ન આવે, પણ કંપવાથી કંપતા એમના હાથ અને ઉંમર પ્રમાણે થોડો સાથ ન આપતા પગ જોયા પછી કંઇક અંદાજ આવે.
નિવૃત્ત થયા પછી સક્રિય રહેવું એટલે શું એ પવનકુમાર પાસેથી શીખવા જેવું છે, નહીં?
શીખવા માટે કોઈ ઉંમર નાની નથી…
ઇંગ્લેન્ડના લેસ્ટર માટે કહેવાય છે કે લંડનથી લેસ્ટર જતાં અમુક વિસ્તાર આવતાં જ હવામાં દાળ-શાકના વઘારની તીવ્ર અસર વર્તાય અને એપાર્ટમેન્ટ્સની બાલ્કનીમાં સુકાતાં કપડાં જોઈને ખ્યાલ આવી જાય કે ગુજરાતીઓનો વિસ્તાર આવી ગયો. હરદ્વારમાં ગુજરાતી સમાજવાળી ગલીનું પણ આપણે આવું જ પાકે પાયે ગુજરાતીકરણ કરી નાખ્યું છે. ગંગા કાંઠાની હર-કી-પૌડી પછી આ ગલીમાં જમીનના ભાવ આખા ઉત્તરાંચલમાં સૌથી વધુ છે.
અહીં બધી જ દુકાનોનાં પાટિયાં પર ગુજરાતી ભાષા જોવા મળે તેમ તમને રાજકોટનાં સુખી-સારા લુહાણા પરિવારનાં લાગતાં બહેનને હાથે બનેલાં ગરમાગરમ મેથીનાં થેપલાં પણ મળે, પાન મળે, સુરતના રસોયાની રસોઈ મળે, પોરબંદરવાળાનું ભોજનાલય પણ ખરું.
જામનગરવાળાના ગાંઠિયા ખાવા હોય તો એ પણ હરદ્વારની આ ગલીમાં હાજર છે. ગાંઠિયાના ખરા શોખીનોની કાયમી ફરિયાદ હોય છે કે સૌરાષ્ટ્ર જેવા વણેલા ગાંઠિયા કે ફાફડા સૌરાષ્ટ્ર બહાર ક્યાંય મળતા નથી. એ ફરિયાદ હરદ્વારની આ ગુજરાતી ગલી દૂર કરી દે છે. અહીંની સતત ધમધમતી એ ગાંઠિયાની દુકાનની મોટી ખાસિયત એ હતી કે ત્યાં માંડ 11-12 વર્ષની એક દીકરી, નામે દિવ્યાને ગાંઠિયા બનાવતી જોઈ!
પાટલા પર ભાર દઈને ગાંઠિયા વણતી ને મોટો ભારેખમ ઝારો લઈને મસમોટા તાવડામાં ઉકળતા તેલમાં ગાંઠિયા તળતી દિવ્યાને જુઓ તો બેઘડી લાગે કે આપણે ગુજરાતીઓ સુનિતા વિલિયમ્સ માટે જેટલું પોરસાઈએ છીએ એટલું જ આ દિવ્યા માટે પણ પોરસાવું જોઈએ!
પૂછતાં ખબર પડી કે આવડીઅમથી એ છોકરી બે વર્ષથી પપ્પાની દુકાનમાં એમને મદદ કરે છે અને પપ્પા કામસર ક્યાંક આડેઅવળે હોય અને ગ્રાહક આવી ચઢે તો દિવ્યા પોતે જ ગાંઠિયાની કણક લઈને મંડી પડે છે!
અને છેલ્લે…
ઉપર લખેલી બે વાત તો મન ઠરે એવી છે, પણ ત્રીજું દ્શ્ય હજી પણ આંખમાં ખૂંચે એવું છે.
ઉત્તર ભારતમાં દિલ્હીના લાલ કિલ્લામાં, બિરલા મંદિરમાં કે આગ્રાના તાજમહાલમાં વિદેશી ટુરિસ્ટનાં ધાડાં હોય એ તો રાજી થવાય એવું છે. આ વખતે નવી વાત એ જોવા મળી કે જ્યાં પગરખાં બહાર ઉતારીને જવાનું હોય ત્યાં વિદેશી ટુરિસ્ટ માટે આગવી વ્યવસ્થા હતી – એમણે જૂતાં પહેરી રાખવાનાં અને એની ઉપર પહોળાં મોજાં જેવી, પ્લાસ્ટિક જેવા મટીરીયલની ઇલાસ્ટિકવાળી કોથળી ચઢાવી લેવાની.
પગરખાં બહાર મૂકવાની પ્રથામાં મૂળ ભાવના માત્ર સ્વચ્છતાની નહીં, પણ જે તે સ્થળની પવિત્રતા કે મર્યાદા જાળવવાની પણ છે. વિદેશીઓ માટે આટલી છૂટછાટ હોય એનોય વાંધો નહીં. વાંધો ત્યારે ઊભો થાય જ્યારે, આગ્રામાં તાજમહાલ પાસે જોયું તેમ, કોઈ હિન્દુસ્તાની વિદેશીના પગ પાસે બેસી, એનો પગ હાથમાં લઈને જૂતા પર કોથળી ચઢાવી આપે અને પછી એના રૂપિયા માગે.
મહેમાનોની દિલથી આગતાસ્વાગતા એ એક વાત અને મજબૂરીથી થતી ચાકરી એ બીજી વાત.
ગુલામી હજી ગઈ નથી?
Filed under: આમ નાગરિકની નજરે
I liked very much.
thanks.
Dr Bharat Agrawal
mane gujaratima bahuj maja avi.
gujarati phont sikhi javab gujaratima apish.