શું લાગે છે? શું થશે આ લોકોનું અને ગુજરાતનું?

ગુજરાતમાં આખરે રણશિંગું ફૂંકાઈ ગયું છે. ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને યુદ્ધરેખાઓ ખેંચાઈ ગઈ છે… આવે સમયે, આપણે એક સામાન્ય ગુજરાતી તરીકે, ગુજરાતના ચૂંટણીજંગ પર છવાઈ રહેલાં કેટલાંક મોટાં માથાંના ભાવિ વિશે થોડા હળવા હૈયે થોડી અટકળો કરી લઈએ…

નરેન્દ્ર મોદી :
આ માણસને તમે પ્રેમ કરો કે ધિક્કારો, ગુજરાતના સમગ્ર ચૂંટણી કૅન્વાસમાં સૌથી મોટી જગ્યા આ એક માણસે જ રોકી લીધી છે. વર્ષ ૨૦૦૨માં જે સ્થિતિ હતી એ પાંચ વર્ષ પછી આજે પણ એની એ જ છે. ગુજરાતમાં કોઈ પક્ષ જીતશે કે હારશે છે એ વાત કરતાં નરેન્દ્ર મોદી જીતશે કે હારશે એની ઉત્સુકતા લોકોને વધુ છે.

એકલે હાથે લડવું, એકલે હાથે જીતવું અને એકલે હાથે જશ લેવો એ આમ તો એમની હંમેશની સ્ટાઇલ રહી છે એટલે આ વખતે એમના પોતાના એક સમયના સાથીઓ સામે પડ્યા હોવા છતાં નરેન્દ્ર મોદી એમની રીતે જ ચૂંટણી લડી રહ્યા છે. એમના વિરોધીઓમાં સ્થાનિક કોંગ્રેસી નેતાઓ, સ્થાનિક ભાજપી નેતાઓ ઉપરાંત કેન્દ્ર સ્તરના ભાજપી નેતાઓ પણ છે.

જો નરેન્દ્ર મોદી ગુજરાતમાં જીત્યા તો કેન્દ્ર સ્તરે એમનો સામનો કરવો ભલભલા નેતા માટે મુશ્કેલ બની જશે.

કેશુભાઈ પટેલ :
એક સમયે આખા ગુજરાતના નાથ હતા, પછી ગાદી ગુમાવી ને ભાજપ્ના વજનદાર નેતા રહ્યા, પછી પટેલોના સૌથી બળૂકા નેતા રહ્યા, પછી વળી વજન ઘટ્યું અને સૌરાષ્ટ્રના પટેલોના નેતા બની રહ્યા… અસંતુષ્ઠો પણ હવે તો કેશુબાપાની ધીરજથી થાક્યા છે. કેશુભાઈ વારેવારે નરેન્દ્ર મોદી સામે અકળામણ તો ઠાલવે છે પણ પક્ષપ્રીતિ એમને સાવ છેવટનું પગલું ભરતાં અટકાવે છે.

મોદીને સાથ આપી નથી શકતા, અસંતુષ્ઠોની સક્રિય નેતાગીરી લઈ શકતા નથી, પક્ષ છોડી નથી શકતા… આ બધા નકારના અંતે એટલું સ્પષ્ટ લાગે છે કે આ વખતની ચૂંટણી પછી કેશુભાઈ ગુજરાતના `એક સમયના’ નેતા બની રહેશે.

સુરેશ મહેતા :
ગુજરાતના અત્યારે વજન વગરના વધુ એક ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન. સુરેશભાઈની એક સજ્જન અને શાંત પ્રકૃતિના નેતાની આગવી છાપ છે. નરેન્દ્રભાઈના શાસનમાં સાવ હાંસિયામાં ધકેલાઈ ગયા પછી સુરેશભાઈ પોતાની શાંત પ્રકૃતિ ધીમે ધીમે છોડી રહ્યા છે. સુરેશભાઈ છાશવારે પક્ષ છોડી દેવાની, નવો ચોકો માંડવાની વાતો કરે છે. છેલ્લા અહેવાલો મુજબ એમણે નવરાત્રિ પછી પક્ષ છોડી દેવાની મહેતલ આપી છે અને એ પછીના છેલ્લામાં છેલ્લા અહેવાલ મુજબ, એમણે પોતે આવું કોઈ નિવેદન આપ્યું ન હોવાનું કહ્યું છે.

પહેલાં એવું લાગતું હતું કે માત્ર પટેલ આગેવાનોને જ નરેન્દ્ર મોદી સામે વાંધો છે. પરંતુ ભાજપ્ના અસંતુષ્ઠોમાં સુરેશ મહેતા અને કાશીરામ રાણા પણ ભળ્યા પછી ચિત્ર થોડું વધુ પહોળું અને ડ્હોળું થયું છે. જોકે, સુરેશભાઈના પક્ષમાં રહેવા કે ન રહેવાથી ભાજપને કેટલો ફાયદો કે નુક્સાન એ ખુદ અસંતુષ્ઠો પણ કદાચ નક્કી નહીં કરી શકતા હોય.
ચૂંટણી પછી સુરેશભાઈનું શું થશે એ પૂછવાનો કે વિચારવાનો બહુ અર્થ નથી કેમ કે એ સવાલ ચૂંટણી પહેલાં પણ બહુ અર્થવાળો નથી. જોકે કોંગ્રેસ અને અસંતુષ્ઠોની સહિયારી સરકારના સંજોગમાં સર્વસંમત નેતા તરીકે સુરેશભાઈ ચાલી જાય ખરા. રાજકારણનું ભલું પૂછવું.

કાશીરામ રાણા :
કાશીરામ રાણા એટલે એક રીતે જોઈએ તો ગુજરાતના અડવાણી. દક્ષિણ ગુજરાતના ભારે વગવાળા નેતા, ગુજરાત ભાજપમાં પણ એમનું ખાસ્સું ઉપજે, પરંતુ ક્યારેય એ મુખ્ય પ્રધાનની ગાદીએ બિરાજી શક્યા નથી. એમને દિલ્હીમાં પ્રધાનપદું મળ્યું, પણ ગુજરાતની ગાદી તો દૂરની દૂર જ રહી. હવે એવું લાગે છે કે પોતાના જ પક્ષના જુદા જુદા મુખ્ય પ્રધાનોનો વિરોધ કરીને કાશીરામ પણ થાક્યા છે.

ચૂંટણી પછી એમની સ્થિતિ કેવી હશે એનો આધાર કાશીરામ ચૂંટણી પહેલાં શું કરે છે એના પર છે. મુખ્ય પ્રધાનની ગાદી એમનાથી દૂર રહેવાની છે એ નક્કી છે. જો મોદીવિરોધીઓ છેલ્લું જોર અજમાવીને, શહાદત વ્હોરીને કોંગ્રેસમાં જોડાઈ જશે, અને જો એ સંઘની સહિયારી તાકાતથી મોદી હારશે તો પણ, મુખ્ય પ્રધાનપદ માટે કોંગ્રેસમાં જ ઘણા દાવેદાર હશે, એમાંના કોઈ કાશીરામની કારી ફાવવા દેશે નહીં.

ભાજપ્ના અસંતુષ્ઠો :
કેશુભાઈ, સુરેશભાઈ અને કાશીરામ ઉપરાંતના ભાજપ્ના અસંતુષ્ઠોનો વિચાર કરીએ તો… શું લાગે છે? ધીરુભાઈ ગજેરા, ગોરધન ઝડફિયા, વલ્લભભાઈ કથીરિયા વગેરે વગેરેએ સુરત અને સૌરાષ્ટ્રમાં મોદીવિરોધી પવનને હવા તો જોરદાર આપી છે. એમાંના કોઈને હવે ભાજપ્ની ટિકિટ મળવાની નથી એ તો નક્કી છે ત્યારે, એ સૌ અપક્ષ તરીકે ઝંપવાવશે, કોઈ મંચની રચના કરશે, કે પછી કોંગ્રેસમાં જોડાઈ જશે? નવરાત્રિ પછી ચિત્ર કંઈક સ્પષ્ટ થાય એવું લાગે છે. પરંતુ ત્યાર પછી ચૂંટણી સુધીનો સમય બહુ ટૂંકો છે.

શક્યતા તો એવી છે કે જ્યાં જ્યાં ભાજપ્ના ઉમેદવાર નબળા જણાશે ત્યાં મોદીવિરોધીઓ જોર અજમાવશે, કોંગ્રેસને સાથ આપશે પણ સાવ કોંગ્રેસમાં કદાચ જોડાશે નહીં. જોકે બંને સ્થિતિમાં લાંબા ગાળે તેમના નસીબમાં ખોવાઈ જવાનું જ લખ્યું હોય એવું લાગે છે.

શંકરસિંહ વાઘેલા :
એક પક્ષમાંથી બીજા પક્ષમાં ગયા પછી નવા પક્ષમાં પોતાનું વજન જાળવી શક્યા હોય એવા બહુ ઓછા નેતાઓ હોય છે. શંકરસિંહ એમાંના એક છે. ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા પછી અત્યારે કોંગ્રેસમાં એમનું ખાસ્સું એવું જોર છે. ભાજપ્ની યાદવાસ્થળી કોંગ્રેસને ફાયદો કરાવે અને કોંગ્રેસ સત્તાની નજીક પણ પહોંચે તો મુખ્યમંત્રીની ગાદી કબજે કરવાની દોડમાં શંકરસિંહ કોઈ કચાશ છોડશે નહીં એ નક્કી છે. જોકે આ બધી `જો અને તો’ની વાત વધુ છે.

ભરત સોલંકી :
ભાજપને કોંગ્રેસનો અત્યારે જરા પર ડર લાગવા જેવી સ્થિતિ ઊભી થઈ શકી હોય તો એનો ઘણો જશ આ જણને ફાળે જાય તેમ છે. પિતા પાસેથી રાજકારણ શીખ્યા હોય કે ગમે તેમ, ભરત સોલંકી કોંગ્રેસનાં અનેક તડાંને હાલપૂરતાં તો એક રાખી શક્યા છે. ધોતિયાધારી, જૂની પેઢીના નેતાઓને સ્થાને તેમણે કોમ્પ્યુટર પર સમીકરણો માંડતા લોકોને કોંગ્રેસમાં આગળ કર્યા છે. કોંગ્રેસ સત્તાની નજીક પહોંચશે તો ભરત સોલંકી સૌથી વધુ ફોર્મમાં આવશે એ નક્કી.

અર્જુન મોઢવાડિયા :
કોંગ્રેસના હાલ પૂરતા નેતા ખરા, પણ ચૂંટણી પછીનાં સમીકરણોમાં એમનું સ્થાન ક્યાં હશે એ કહેવું મુશ્કેલ છે. કોંગ્રેસને જો સૌરાષ્ટ્રમાં બહુ મોટો લાભ મળે અને એમાં ભાજપ્ના મોદીવિરોધીઓ કરતાં મોઢવાડિયાનો ફાળો મોટો હોય તો જ ચૂંટણી પછી એમનું કોઈ સાંભળે એવું અત્યારે તો લાગે છે.

One Response

  1. જો કેશુબાપા ઉંઘતા ના રહ્યાં હોત તો ગાંધીનગર આજે બેંગલોરને બદલે હોત! સાચુ?

Leave a Reply