અત્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે ભારતમાં રાજકીય ફ્રન્ટ પર એક સાથે ઘણું ઘણું બની રહ્યું છે… કેન્દ્રમાં મધ્યસત્ર ચૂંટણી માંડ માંડ અટકી હોય એવી સ્થિતિ છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં તો તેની અવધિ અનુસાર ચૂંટણી યોજાઈ રહી છે, પણ કર્ણાટકમાં સમય કરતાં વહેલી ચૂંટણી આવી પડે તેવી સ્થિતિ નિવારવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને કર્ણાટકનો મામલો દિલ્હીમાં પહોંચ્યો છે.
કર્ણાટકમાં જે બન્યું છે તેમાંથી ગુજરાતે બોધપાઠ લેવા જેવો છે. પહેલાં ગુજરાતની વાત કરી લઈએ.
ગુજરાતમાં, ભાજપમાંના અસંતુષ્ટોનો વિરોધ હવે ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશી ચૂક્યો હોવાથી વધુ બોલકો બની રહ્યો છે. એક શક્યતા અનુસાર કેશુભાઈ પટેલ આખરે હારીને ક્ષેત્ર સન્યાસ લેશે અને મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીવિરોધીઓ સાગમટે કોંગ્રેસમાં જોડાશે અથવા રાજકીય પક્ષ નહીં પણ રાજકીય સમિતિ જેવી કંઇક રચના કરીને તેના નેજાતળે ભાજપથી અલગ પડીને ચૂંટણી લડશે.
ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ મોદીની તરફેણમાં રહેવાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. એમાં પણ પાછી કેન્દ્ર સ્તરની અલગ સોગઠાબાજી હોવાની અટકળો થઈ રહી છે. મોદી અડવાણી કૅમ્પ્ના મહારથી છે. ગુજરાતમાં વિરોધીઓને મનાવી લેવાને બદલે કડક વલણ અપ્નાવવામાં આવે તો સરવાળે નરેન્દ્ર મોદીને નુક્સાન તો થશે જ. મોદી નબળા પડે તો અડવાણી નબળા પડે અને તો ઉત્તર પ્રદેશમાં રકાસ પછી સાવ નબળા પડેલા પક્ષપ્રમુખ રાજનાથ સિંહ લોકસભાની ચૂંટણી વખતે થોડા જોરમાં રહી શકે એવાં એવાં લાંબા સમીકરણો રાજકીય નિરીક્ષકો માંડી રહ્યા છે.
ભારતના રાજકારણમાં, નેતાઓ ભલે કોઈ એક પક્ષના નેજા તળે લાંબા ઇનિંગ રમે, પણ અંતે તો એ સૌ પક્ષ કે દેશના વ્યાપક હિતનો વિચાર કરવાને બદલે અંગત, વ્યક્તિગત હિતનો વિચાર કરનારા માટીપગા સામાન્ય માણસ જ પૂરવાર થતા હોય છે. એમાં એમને કોઈ શરમ કે નીતિમત્તા પણ નડતી નથી હોતી.
ગુજરાતમાં ચીમનભાઈ પટેલની આગેવાનીમાં જનતાદળની સરકાર હતી ત્યારે એ સૌ સાગમટે કોંગ્રેસના ખોળે જઈ બેઠા હતા અને એટલે લોકોએ જેની વિરુદ્ધમાં મત આપીને જેને વિરોધ પક્ષની પાટલીએ બેસાડ્યો હતો એ કોંગ્રેસ પક્ષ વગર ચૂંટણીએ સત્તાસ્થાને બેસી ગયો હતો. પછી ભાજપ સત્તા પર આવ્યો, તેમાં તડાં પડ્યાં, ભાજપના અસંતુષ્ટો સત્તાએ પહોંચ્યા, વળી એ કોંગ્રેસમાં જોડાયા, પછી હાર્યા અને હવે ફરી ભાજપમાં અસંતુષ્ઠોનો નવો ફાલ તૈયાર થયો છે. મજાની વાત એ છે કે એક સમયે જેમણે પોતે કેશુભાઈ પટેલના પગ તળેથી જાજમ ખેંચી હતી એ શંકરસિંહ વાઘેલા અત્યારે કોંગ્રેસના નેતા તરીકે નિવેદનો ઠપકારે છે કે નરેન્દ્ર મોદીએ કેશુબાપાને ક્યાંયના રહેવા દીધા નથી! મોદીવિરોધીઓના કોંગ્રેસપ્રવેશ સામે કોંગ્રેસમાં પણ વિરોધનો ગણગણાટ તો શરુ થઈ જ ગયો છે.
આ બધું અત્યારે લખવાનું કારણ એ છે કે આવાં તકવાદી જોડાણો ક્યારેય લાંબાં ચાલ્યાં નથી અને એવાં સંખ્યાબંધ ઉદાહરણો એક પછી એક સામે આવતાં જ રહે છે. ભાજપે ઉત્તર પ્રદેશમાં બે વાર માયાવતી સાથે સત્તાની ભાગબટાઈ કરી હતી અને માયાવતીએ બંને વખત અંચાઈ કરી હતી. દક્ષિણમાં કર્ણાટકમાં ભાજપે કોંગ્રેસને ઉથલાવવામાં જનતા દળને સાથ આપ્યો ત્યારે બંને વચ્ચે આઠ આઠ મહિના મુખ્ય પ્રધાનપદ વહેંચી લેવાની સમજૂતી થઈ હતી. પહેલાં ભૂતપૂર્વ વડા પ્રધાન દેવે ગોવડાના પુત્ર કુમારસ્વામી મુખ્ય પ્રધાન બન્યા અને હવે જ્યારે ભાજપ્ને સત્તા સોંપવાનો સમય આવ્યો ત્યારે બંને બાપ-બેટાએ શરમ નેવે મૂકી દઈને અખાડા કરવા શરુ કર્યા. અંતે ભાજપ થાક્યો અને તેના તમામ પ્રધાનોએ રાજીનામાં આપ્યાં. દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન કક્ષાની વ્યક્તિ જો આમ સાવ ફરી જઈ શકતી હોય તો બીજા પાસે શું અપેક્ષા રાખવી?
અત્યારે દિલ્હીમાં ભાજપ અને જનતા દળના ઉચ્ચ નેતાઓની અલગ અલગ બેઠકો યોજાઈ રહી છે. અગાઉ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવ સેનાએ આવી સત્તાની સમજૂતી કરી હતી. હમણાં કાશ્મીરમાં પણ કોંગ્રેસ અને સ્થાનિક પક્ષ વચ્ચે આવી જ સમજૂતી થઈ છે. કાશ્મીરમાં પીપલ્સ પાર્ટીના મુફ્તી મહંમદ સઈદે સમજૂતી અનુસાર કોંગ્રેસ માટે મુખ્ય પ્રધાનની ખુરશી ખાલી કરવાનો સમય આવ્યો ત્યારે લાંબી ખેંચતાણ ચલાવી હતી અને મુદત પછી ત્રણેક મહિના જેટલો સમય પોતે ખુરશી પર ચીટકી રહ્યા હતા. કર્ણાટકમાં દેવે ગોવડા તેમના પુત્ર માટે આવું જ કંઇક કરવાની વેતરણમાં છે, અને ભાજપની ધીરજ ખૂટી ગઈ છે. હવે સામસામા છેડા ફાડવાની જાહેરાત કર્યા પછી, ચૂંટણી સામે દેખાતાં બંને પક્ષો ફરી સમાધાનની વાતો કરવા લાગ્યા છે.
ગુજરાતે આમાંથી સમજવા જેવું છે. ગુજરાત સામાન્ય રીતે તો ક્લિયર વર્ડીક્ટ આપતું રહ્યું છે, પણ આ વખતે જો મોદીવિરોધીઓ જો કોંગ્રેસમાં જોડાવાનું આત્મઘાતી પગલું ન ભરે અને આપબળે થોડું ઝાઝું જોર કરી જાય તો ગુજરાતમાં ભલે લાંબાટૂંકા ખૂણાવાળો, પણ ત્રિપાંખિયો જંગ ખેલાશે. પરિણામે લગભગ કોઈને ફાયદો તો નહીં જ થાય ને ગુજરાતને નુક્સાન થશે એ નક્કી છે.
મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની નીતિરીતિમાં વિશ્ર્વાસ હોય કે ન હોય, ગુજરાતમાં વિકાસે અત્યારે ઠીક ઠીક ગતિ પકડી છે એ સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી. એમાં કોઈ એક વ્યક્તિની સૂઝબૂઝ ઉપરાંત, એક વ્યક્તિ અને પક્ષને સંપૂર્ણ સ્થિરતા આપવાની જનતાની સૂઝબૂઝનો પણ ફાળો છે. એ પક્ષ પોતાનામાં સ્થિરતા જાળવી નથી શક્યો એમાં પ્રજાનો નહીં, એ પક્ષનો જ દોષ છે. એ જ રીતે, નરેન્દ્ર મોદી આપખુદ લાગતા હોય તો ભલે એમને ફગાવી દઈ ને ભાજપના બદલે કોંગ્રેસને પૂરી સત્તા સોંપવી સારી, પણ જો સ્પષ્ટ નિર્ણયને બદલે અધકચરો ચુકાદો અપાયો તો ગુજરાતની માંડ પાટે ચઢેલી ગાડી ખોરવાઈ જશે.
ગુજરાતે આ સમજવું જ રહ્યું.
Filed under: આમ નાગરિકની નજરે