આપણી ભાષામાં ઇન્ફર્મેશન ટેકનોલોજી – બે વર્ષ પહેલાં થયેલી ગોઠડી

ઉપયોગ ગાધ છે, એક વાર ટ્રાય તો કરી જુઓ

યુનિકોડના આગમન પછી, ગુજરાતીમાં બ્લોગ્સની સંખ્યા અને ગુણવત્તામાં દેખીતો વધારો ને સુધારો થઈ રહ્યો છે. એક આગવું બ્લોગજગત હવે ગુજરાતીમાં પણ ધબકવા લાગ્યું છે ત્યારે, લગભગ બે વર્ષ પહેલાં કેવી સ્થિતિ હતી એ જાણવું રસપ્રદ બને તેવું છે. ગુજરાત સરકારનાં જુદાં જુદાં ખાતાં માટે ગુજરાતીમાં વેબસાઇટ્સ બનાવવાનો બહોળો અનુભવ ધરાવતા, સાઇબરસર્ફ નામની એક આઇટી કંપનીના ડિરેક્ટર અને અંગત મિત્ર સમીરભાઇ સંઘવી સાથે આ લખનારે ”ગુજરાતી ભાષામાં ઈન્ફર્મેશન ટેક્નોલોજીનું ભાવિ કેવું?” એની ગોઠડી માંડી હતી. બે વર્ષ પહેલાં, યુનિકોડ હજી બહુ પ્રચલિત નહોતું ત્યારે થયેલી એ ચર્ચા અત્યારના સંદર્ભમાં માણવા જેવી છે…

આપણી ભાષામાં આપણે આઈટીનો ઉપયોગ તો શરૂ કર્યો છે, પણ હજી બહુ સીમિત હદે. ખરેખર તો અંગ્રેજીમાં પણ આઈટી કે ઈન્ટરનેટનો હજી આપણે પૂરેપૂરો ઉપયોગ કરતા થયા નથી. જે કંઈ વપરાશ છે તે દેખાવ પૂરતો કે હાઈપ જેવો છે, ઘર ઘરમાં ગૃહિણીઓ કે વડીલો ઈન્ટરનેટના રીયલ પોટેન્શિયલનો લાભ લેતા થાય એ દિવસો હજી બહુ દૂર છે.
આ સાથે જ એ વાત પણ નક્કી છે કે જો આપણી પોતાની માતૃભાષામાં આઈટીની સેવા બિલકુલ હાથવગી બને તો તેનો સાચો લાભ લેવાના દિવસો નજીક પણ આવી જાય.

દુનિયાભરમાં અંગ્રેજી ઉપરાંત જે તે સ્થાનિક ભાષામાં ઈન્ટરનેટનો વપરાશ છે જ. ખાસ કરીને યુરોપીયન દેશોમાં તો સેંકડો વેબસાઈટ જે તે દેશની સ્થાનિક ભાષામાં જ જોવા મળે છે. ત્યાં અંગ્રેજી ભાષાનો કોઈ મોહ નથી. જેમ જેમ વધુ ને વધુ લોકો સુધી ઈન્ટરનેટ પહોંચશે તેમ તેમ સ્થાનિક ભાષામાં તેનો વપરાશ વધવાનો જ એ બિલકુલ સ્પષ્ટ વાત છે.

એ જોતાં, આજે ભલે ગુજરાતી ભાષામાં બહુ ઓછી વેબસાઈટ જોવા મળતી હોય, આવનારા સમયમાં તેની સંખ્યા વધવાની અને ઉપયોગ પણ વધવાનો એ ચોક્કસ છે. સવાલ માત્ર ક્યારે એટલો જ છે. આપણે એ સમય વહેલો લાવવા શું કરી શકીએ એ પણ મહત્ત્વનું છે.

ગુજરાતીમાં વેબસાઈટનો ઉપયોગ સફળ ક્યારે થયો ગણાય? એનો લિટમસ ટેસ્ટ એ કહી શકાય કે ઘર ઘરમાં ઝાઝું અંગ્રેજી ન જાણતી બહેનો સુધી ઈન્ટરનેટનો લાભ મળતો થાય ત્યારે ગુજરાતીમાં આઈટીનો સાચો ઉપયોગ થયો ગણાય.

જોકે આ તો આદર્શ સ્થિતિની વાત છે. આવી સ્થિતિએ પહોંચતાં પહેલાં આપણે એ પણ સમજવું જોઈશે કે ઈન્ફર્મેશન ટેક્નોલોજી એટલે માત્ર ઈન્ટરનેટ કે વેબસાઈટ નહીં. તેમાં બીજી પણ ઘણી બાબતોનો સમાવેશ થાય છે. આપણે તબક્કાવાર સમજીએ.

ઇન્ટરનેટની વાત કરીએ તો…

ઈન્ટરનેટનો સૌથી વ્યાપક ઉપયોગ છે ઈ-મેઈલ માટે. અત્યારે બને છે કે એવું કે અમેરિકામાં રહેતા કોઈ ગુજરાતીને કોઈ વડીબહેનને ભારતમાં રહેતી પોતાની રહેતાં મારાં માસી અને મારાં મમ્મીને ઈન્ટરનેટથી સંપર્કમાં રહેવું હોય તો બંનેએ એમના દીકરા-દીકરી કે પૌત્ર-પૌત્રીની મદદ લેવી પડે છે. એ લોકો પણ મોટા ભાગે ગુજરાતીમાં કોમ્પ્યુટરમાં પત્ર ટાઈપ કરી શકતા નથી, એટલે અંગ્રેજીમાં મેઈલ થાય. તમે જ વિચારો, એ રીતે, જૂની પેઢીનાં બે બહેનોને એકમેકને પત્ર લખ્યાનો સંતોષ થાય ખરો?
ટેકનોલોજી તો આપણી મદદે છે જ, આપણે અત્યારે તેનો લાભ લઈ શકતા નથી. એ માટે સૌથી પહેલાં તો જેટલું સહેલાઈથી અંગ્રેજીમાં મેટર કમ્પોઝ કરી શકાય છે એટલી જ સરળતાથી ગુજરાતીમાં લખી શકાવું જોઈએ. એવી સરળતા લગભગ આવી ગઈ છે, પરંતુ એ માટે જુદા જુદા પ્રકારના ઘણા પ્રોગ્રામ વપરાતા હોવાથી બધાં કોમ્પ્યુટરમાં એક સરખો વપરાશ અત્યારે શક્ય નથી. આ માટે યુનિકોડ નામની એક વ્યવસ્થા અત્યારે ડેવલપ થઈ રહી છે. એક કે વધીને બે વર્ષમાં તે વ્યાપક બની જતાં, બધાં જ કૉમ્પ્યુટરમાં તેનો એકસરખી સરળતાથી ઉપયોગ શક્ય બનશે.

ગુજરાતીમાં કોમ્પ્યુટરમાં યુનિફોર્મ ઢબે લખી-વાંચી શકાય એવી સ્થિતિ શક્ય બન્યા પછી બીજો મુદ્દો આવે છે આપણી જ ભાષામાં ઢગલાબંધ માહિતી ઉપલબ્ધ કરી આપે તેવી વેબસાઈટ કે પોર્ટલ તૈયાર કરવાનો. જેમ અંગ્રેજી છાપાંઓની સાથોસાથ કે તેના કરતાં પણ વધુ સંખ્યામાં સ્થાનિક ભાષાનાં અખબારો વેચાય અને વંચાય છે એ જ રીતે, અંગ્રેજી કરતાં ગુજરાતીમાં વેબસાઈટ વધુ પસંદ કરનારા લોકોનો પણ એક મોટો વર્ગ હશે.

ગુજરાતીમાં વેબસાઇટ કે પોર્ટલ…

ગુજરાતીમાં વેબસાઈટ કે પોર્ટલ તૈયાર કરવાના ઘણા પ્રયાસો થયા છે, પરંતુ એ મોટા ભાગે કંઈક નવું કરવાના ઉત્સાહથી શરૂ થાય છે. આવી પૅશનના કારણે વેબસાઈટ તૈયાર તો થઈ જાય, પણ સામે લોકોમાં તેની ડિમાન્ડ ન હોવાથી તે સસ્ટેઈન ન થઈ શકે. અત્યારે આઈડિયા સૂઝે એટલે વેબસાઈટ બને છે. તેના બદલે ખરેખર, જરૂરિયાત હોય – ડિમાન્ડ હોય એટલે અને એવી વેબસાઈટ બનવી જોઈએ.

એ માટે વેબસાઈટમાંથી લોકોને કંઈક વેલ્યૂ મળવી જોઈએ, લોકોમાં તેની ઉપયોગિતા હોવી જોઈએ. આવી ઉપયોગિતા વેબસાઈટ સાથે કંઈક સર્વિસ-સેવા પૂરી પાડીને કે લોકો ઈચ્છતા હોય તેવું કન્ટેન્ટ આપીને ઊભી કરી શકાય. દાખલા તરીકે કેનેડામાં વસતા કોઈ પરિવારને અમદાવાદ કે આણંદમાં લગ્નનો હૉલ બુક કરાવવો હોય તો એમને એ સેવા ઈન્ટરનેટ પરની ગુજરાતી વેબસાઈટ પરથી મળવી જોઈએ. એ માટે લોકોને ગુજરાતી વેબસાઈટ તરફ વાળવા જોઈએ. આવું કઈ રીતે કરી શકાય?

ગુજરાતીમાં સ્ટાન્ડર્ડાઇઝ્ડ કન્ટેન્ટ…

આગળ કહ્યું તેમ વેબસાઈટને યુનિકોડ જેવી કોઈ વ્યવસ્થાથી સ્ટાન્ડર્ડાઈઝ્ડ કરવી જોઈએ. એમ કરવાથી લોકોને ગુજરાતી ભાષામાં સર્ચ કરવાની સુવિધા પણ મળશે. અત્યારે ગુગલના કારણે ઈન્ટરનેટ પરથી આપણને જોઈતી માહિતી સર્ચ કરવી બહુ સરળ બની છે. ખરેખર તો ગુગલ જેવા સર્ચ એન્જિનના કારણે જ ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે. જો આપણે આવા સર્ચ એન્જિનમાં સીધો જ કોઈ ગુજરાતી શબ્દ ટાઈપ કરીને તેને લગતી માહિતી ધરાવતી ગુજરાતી વેબસાઈટ શોધી શકીએ તો કેટલી બધી સરળતા થઈ જાય? આ કામ સરકાર કરી શકે. આપણી પાસે ગુજરાતીમાં પાર વગરનું કન્ટેન્ટ – માહિતી તો છે જ, માત્ર એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં ઈન્ટરનેટ પર મૂકવાનો સવાલ છે. એ કરવું પણ સહેલું છે.

સૌથી મહત્ત્વનો ઉપાય છે શાળાનાં બાળકોને ગુજરાતીમાં ઈન્ટરનેટ માટે કન્ટેન્ટ ડેવલપ કરતાં શીખવવાનો. આજે શાળામાં એક વિષય તરીકે કોમ્પ્યુટર શીખવવામાં આવે છે, પણ ગુજરાતી માધ્યમનાં બાળકો પણ કોમ્પ્યુટર શીખે છે અંગ્રેજીમાં. જો શાળાઓમાં યુનિકોડ જેવા વિશ્ર્વસ્તરે પ્રચલિત, એક સમાન સ્ટાન્ડર્ડ અનુસાર કોમ્પ્યુટરમાં ગુજરાતીનો ઉપયોગ શીખવવામાં આવે, બાળકોને જુદા જુદા વિષયો પર કોમ્પ્યુટરમાં ગુજરાતીમાં કન્ટેન્ટ તૈયાર કરવાના પ્રોજેક્ટ આપવામાં આવે તો કેટલું બધું કન્ટેન્ટ તૈયાર થઈ શકે? મારા મતે તો આ રીતે ઈન્ટરનેટ પર ગુજરાતીમાં માહિતીનો વિસ્ફોટ સર્જાય.

ઇન્ટરનેટ પર બ્લોગિંગ….

ઈન્ટરનેટ પર અત્યારે બ્લોગમૂકવાની એક રસપ્રદ પ્રવૃત્તિ ચાલે છે. `બ્લોગએટલે સાદા શબ્દોમાં કહીએ તો કોઈ પણ બાબત પર તમને જે વિચારો સૂઝે તે ઈન્ટરનેટ પર મૂકવાની પ્રવૃત્તિ. અમદાવાદમાં ખાડા-ખબડાવાળા રસ્તા સામે તમને અકળામણ થાય તો તે વિષે `બ્લોગતૈયાર કરીને તમે ઈન્ટરનેટ પર મૂકી શકો. આ રીતે શાળાનાં બાળકોમાં બ્લોગબનાવવાની ટેવ કેળવવામાં આવે તો તેના બહુ ક્રિયેટિવ ઉપયોગ થઈ શકે. એક રીતે આ રોજનીશી જ છે, જેને તમે દેશ-દેશાવરમાં બેઠેલા મિત્રો સાથે શૅર કરી શકો, અને મિત્રો તેનો તરત ફિડબૅક આપી ચર્ચા પણ ચલાવી શકે.

આ બધું જ કરવું સરળ છે. માત્ર આપણને તેના પોટેન્શિયલની પૂરતી જાણકારી નથી. ગુજરાતી પુસ્તકોનાં સરસ ટાઈટલ તૈયાર કરવા માટે જાણીતા અપૂર્વ આશર જેવા લોકો ગુજરાતીમાં કોમ્પ્યુટર ટેકનોલોજીમાં ઘણા ઊંડા ઊતર્યા છે, પરંતુ તેની સમજ કે કદર બહુ ઓછા લોકોને છે.

આ તો માત્ર ઈન્ટરનેટની વાત થઈ. આઈટીના બીજા લાભની વાત કરીએ તો

આપણા ગુજરાતીઓ હવે ચીન સાથે ઘણો વેપાર કરતા થયા છે. તેમને ભાષાની મોટી મુશ્કેલી નડે છે. ગુજરાતી અને ચાઈનીઝ ભાષા વચ્ચે અંગ્રેજી સેતુ બને અને તેમાંય ઘણી વાર ગોટાળા ઊભા થાય. આઈટીનો ઉપયોગ કરીને સીધું જ ગુજરાતીમાંથી ચાઈનીઝ ભાષામાં ભાષાંતર કરવાની સગવડ કેમ ન થઈ શકે?

હવે તો ઘણાં સારાં અંગ્રેજી પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ થાય છે. એ પુસ્તકો અને બીજાં ગુજરાતી પુસ્તકો ઈન્ટરનેટ પર થોડું લવાજમ ચૂકવીને વાંચી શકાય એવી વ્યવસ્થા થઈ શકે.

અંગ્રેજીમાં કેટલીક `ઑડિબલવેબસાઈટ હોય છે, જેના પર તમે સારાં અંગ્રેજી પુસ્તકો `સાંભળીશકો. અંગ્રેજીનાં સારાં પુસ્તકોનો સીધો શ્રાવ્ય ગુજરાતી અનુવાદ તૈયાર કરી શકાય. તેમ, ઉમાશંકર જોશીનાં કાવ્યોનો આસ્વાદ કોઈના કંઠે કે કવિ રાજેન્દ્ર શુક્લનાં લયબદ્ધ કાવ્યો એમના પોતાના ઘેઘૂર કંઠમાં માણી શકાય.

હમણાં આપણા ગુજરાતમાં જ આવી એક બહુ સુંદર, સમાજોપયોગી પહેલ થઈ છે. નગેન્દ્ર વિજય સાયન્સ ફાઉન્ડેશને, અંધજન મંડળના સહયોગમાં જાણીતા સાયન્સ મેગેઝિન `સફારીની રસપ્રદ માહિતીને ઑડિયો સીડી રૂપે તૈયાર કરી છે. અંધજનોએ આ પ્રયોગને ગજબના ઉત્સાહથી વધાવી લીધો છે.

આપણે ગુજરાતીઓ નવી નવી વાનગીઓનો ટેસ્ટ કરવાના કે નવાં નવાં સ્થળો જોવાના તો ઘણા શોખીન છીએ, પણ નવી નવી ટેકનોલોજી વિકસાવવામાં કે તેના નવા નવા ઉપયોગ શીખવામાં આપણે ઘણા પાછા પડીએ છીએ.

એક વાર પ્રયત્ન કરી જૂઓ, આપણી પોતાની ભાષામાં ઈન્ફર્મેશન ટેકનોલોજીના અગાધ ઉપયોગ છે અને તેની મજા કંઈક જુદી જ છે!

——————યાદ છેને, આ ચર્ચા બે વર્ષ પહેલાં થઈ હતી ! એને અત્યારની સ્થિતિ સાથે સરખાવી જુઓ અને પછી વિચારો કે આવનારાં વર્ષો કેવાં હશે?

2 Responses

  1. હિમાંશુભાઈ

    ત્રણેક વર્ષના વનવાસ બાદ ફરીથી ગુજરાતી બ્લોગીંગમાં પ્રવેશ બદલ આપનો ખુબ ખુબ આભાર. આ વખતે સાઈબરસફર દ્વારા પગરણ માંડ્યા તે બદલ અભિનંદન, ઘણા સમયથી ગુજરાતી બ્લોગીંગ માં ટેકનોલોજીને લગતા બ્લોગની અછત વર્તાય રહી હતી, આપના આ પ્રયાસથી ઘણા નવા બ્લોગરમિત્ર તેમજ કોમ્પ્યુટરથી અજાણ મિત્રોને ઘણી રાહત મળશે.

  2. બહુજ સરસ વાત કરી છે. જો આપણે બધાં આ દિશામાં વિચારીને સાથે મળીને કંઈક કરીએ તો ગુજરાતી ભાષા માટે ઘણું બધું કરી શકાય.

Leave a Reply