ગુજરાત તમે કેટલું જોયું-જાણ્યું છે?

આપણી ભાષાના સમૃદ્ધ સર્જક શ્રી દિલીપ રાણપુરાએ ગુજરાત અને ગુજરાતના લોકોને બહુ નજીકથી જોયા છે. આવો, તેમના સાદર ઋણસ્વીકાર સાથે, તેમની કલમે ગુજરાત દર્શન કરીએ…

પ્રવાસ કરવો એટલે ગુજરાત બહાર જ જવું એવું થોડું જ છે? જે રાજ્યના આપણે મૂળ રહેવાસી છીએ તે રાજ્યમાં જ કેટલું બધું જોવાનું, માણવાનું છે. આપણો આખો અતીત, એટલે કે ઈતિહાસ, સંસ્કૃતિ, બદલાતી ભૂગોળથી માંડીને અર્વાચીન ધામો પણ જોઈ કાય. આપણા રાજ્યની ભૂમિનો પૂરો પરિચય એ આપણી જાતના પરિચય જેટલો જ સંતર્પક બની રહે.

ગુજરાતમાં કેટલું બધું જોવાનું, માણવાનું છે!

તમે દ્વારકાથી સોમનાથના કોસ્ટલ હાઈવે પર મુસાફરી કરી છે? ઓખા મંડળના ઈતિહાસનાં પ્રસિદ્ધ સ્થળો જોયાં છે? હર્ષદ માતાનું સ્થાનક જોયું છે? ચોરવાડનો દરિયાકાંઠો મનભરીને નિહાળ્યો છે? માંગરોળના શારદાગ્રામમાં કદી જાતે બદલાતી શિક્ષણપદ્ધતિના પ્રયોગોનું નિરીક્ષણ કર્યું છે? પોરબંદરના આર્યકન્યા ગુરુકુળમાં બહેનોને અપાતી તાલીમ વિશે જાણકારી મેળવી એવી અનુભૂતિ થઈ છે ખરી કે વિશ્ર્વકક્ષાની આ એક વિદ્યાપીઠ છે! સતાધાર, તુલસીશ્યામ, સાસણગીર, ઉના-દેલવાડા, માધવપુર ઘેડ, લીલી નાઘેરના પ્રદેશોને આંખમાં ભરી શક્યા છો? ભાલકાતીર્થ, શ્રી કૃષ્ણના દેહોત્સર્ગના સ્થાને જઈ મૂક બનીને કૃષ્ણના સમગ્ર જીવન તત્ત્વમાંથી એક અંજલિ પણ પામી શક્યાની અનુભૂતિ થઈ છે?

પોરબંદરના કીર્તિમંદિરના પગથિયે બેસીને ગાંધીજીને અનુભવવાનો કોઈ એકાદ ક્ષણે પ્રયાસ કર્યો છે? જામનગર, નવલખી કે બેડી કે ઠેઠ ભૂજ જઈ હમીરસરની પાળે બેસી ભૂજિયા ડુંગરનું સૌંદર્ય માણ્યું છે? ભૂજનું મ્યુઝિયમ નીરાંતે જોવાનો અવસર માણ્યો છે? કંડલા બંદરમાં ઘૂઘવાતા સમુદ્રમાં લાંગરેલી સ્ટીમરોમાં ચડતા ઊતરતા માલની ક્રિયા જોઈ છે? અંજારમાં જેસલ તોરલની સમાધિએ ગયા છો? વિદેશમાં રહીને ભારતની સ્વાધીનતા માટે ઝઝૂમનાર શ્યામજી કૃષ્ણવર્માના મકાને ગયા છો? ક્યારેક મુંદ્રાનો સાગરકાંઠો જોયો છે? ખાવડા કે બન્નીના પ્રદેશમાં તમારા પગને ફેરવ્યા છે? ભદ્રેશ્વર કે નારાયણ સરોવરનાં ધાર્મિક સ્થળોએ મનને વિસામો આપ્યો છે? હાજીપીરની છાયામાં ઊભા રહીને કોમી એકતાની સુવાસ અનુભવી છે? કોટેશ્ર્વરના ઈતિહાસને ખોદીને જોયો છે?

ધોળાવીરાના અવશેષો જોઈ આપણી નગર રચના અને સ્થાપત્ય માટે ગૌરવ અનુભવવાની તક લીધી છે? ઝારાનું ઈતિહાસ પ્રસિદ્ધિ યુદ્ધ જે સ્થળે લડાયું તે સ્થાનની દિશા તરફ ક્યારેય ડગલું માંડ્યું છે? સોમનાથનું મંદિર અને તેના કાંઠે આવેલા સાગરમાં પગ પખાળ્યા છે? પોરબંદરના મેર-આહીરોનાં લોકનૃત્યો જોઈ પગમાં થનગનાટ અનુભવ્યો છે? સલાયા, વેરાવળ, માંડવી, જખૌ વગેરેના દરિયા ખેડૂઓની પેઢીઓની પેઢીઓ દરિયામાં ગરક થઈ જવા છતાં દરિયાલાલ પ્રત્યેની અસીમ આસ્થાને પામી શક્યા છો? તળાજાના વાળા રાજવીઓનો ઈતિહાસ જાણવાને ઝંખના થઈ છે? ગોપ્નાથના દરિયામાં કે ઘોઘાની ખાડીમાં પગ બોળ્યો છે? અલંગના જહાજ ભાંગવાના ઉદ્યોગની તસ્વીર ઝીલી છે?

લોકભારતી, આંબલા, વેડછી, મઠી, અમરાપુર – ગ્રામભારતી, અમીરગઢ જેવી ગ્રામ વિદ્યાપીઠોના તપોવનનો અનુભવ કર્યો છે? કલાપિનું નગર જોવાનું અને એ ભૂમિ પર ઉભા રહીને તેમના કાવ્ય સંગીતમાંથી બિંદુ પીવાની, ઝીલવાની તરસ ક્યારેય લાગી છે? જય જય ગરવી ગુજરાત કહેનારા નર્મદના જન્મસ્થળે જઈને ક્યારેક તેની ભાવના આદર્શ માટે `યા હોમ્ કરીને પડો’નો જુસ્સો અનુભવ્યો છે? નરસિંહના વૈષ્ણવજનથી માંડીને ભોજા ભગતના ચાબખાઓ કે ગંગાસતીનાં ભજનોની વીજળીના ઝબકારે તેજકણ લાધ્યો છે? દાસી જીવણનાં અને સગાળશાનાં ભજનો ક્યારેય તંબુરા-કરતાલ અને મંજિરાના તાલ સાથે સાંભળી એકાકાર થયા છો? જે તે ધરતી પર ફરીને સંત દેવીદાસની કર્મભૂમી જોઈ છે? આપા જાદરા અને સંત જલારામની દંતકથાઓને તારવીને તેમનાં ભક્તિ હૃદયોની ઝાંખી કરી છે?

પીંડવળ ખાદી ગૃહઉદ્યોગ વિશે, મુનિ આશ્રમનાં અનુબહેનની તપસ્યા વિશે કે ધરમપુરના ઊંડાણના ગામમાં એકલવીર જેવા મંછુભાઈ ગાંવીતની મૂક રચનાત્મક પ્રવૃત્તિઓનો ધીમો પણ હૂંફાળો પવન અનુભવ્યો છે? નંદીગ્રામની શાંતિનો સાક્ષાત્કાર કર્યો છે? બહારવટિયા જ્યાં સંતાતા તે બરડાના, ગિરનારના, શેત્રુંજના, સાસણ અને મિતિયાળાના ડુંગરો કે કાંગાની ધારો કે પંચાલના પાળિયાઓ જોયા છે? ધજાળા કે ભીમોરા પછાત વિસ્તારોમાં વિકસિત રમણીય સ્થળોએ આંટો માર્યો છે? ભારત સપુત સરદાર પટેલની જન્મભૂમિ કે સરસ્વતીના ચંદ્રના સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠીના જન્મસ્થાને જઈ વંદના કરી છે? જાફરાબાદમાં એક કાળે સીદીઓનું રાજ્ય હતું તેના મૂળ તપાસ્યાં છે? રાજપીપળાના જંગલોમાં અને ડુંગરોમાં ગોરા આદિવાસીઓનો નૃવંશશાસ્ત્રની દ્ષ્ટિએ અભ્યાસ સંશોધન કરવાનો વિચાર આવ્યો છે?

મોરબીના ઘડિયાળ ઉદ્યોગ કે મહુવાના લક્કડ ઉદ્યોગ કે પાલિતાણાના હારમોનિયમ ઉદ્યોગ વિશે કેટલી તલસ્પર્શી માહિતી છે? ભાલકાંઠા કે નળ સરોવરમાં ફર્યા છો? પઢારોના લોકજીવનની ઝલક પામ્યા છો? ઝાલાવાડી સપુત સરદાર સિંહ રાણાની જન્મ ભોમકા કંથારિયા જઈ વંદના કરી સ્વાતંત્રતાના સંગ્રામને સંવેદ્યો છે? ધોળકાનું મલાવ તળાવ કે ધનમેર કોળીએ વસાવેલા કાલીકાલ સર્વરી હેમચંદ્રાચાર્ય જન્મ સંસ્થાન ધંધૂકા સુધી પહોંચીને ગદગદિત થયા છો? ઝાંઝરકાના સંત સવા ભગતનું સ્થાનક જોયું છે?
ધોલેરા બંદરનો ઈતિહાસ જાણવાની કે સ્વાતંત્ર્ય સંગ્રામના રણશિંગા ફૂંકતા એ રાણપુરના રાણાના મહેલનાં ખંડેરો જોવાની ક્યારેય તાલાવેલી થઈ છે? સાબરમતી કે મહીના ભેંકાર કોતરો કે ચાણોદ-કરનાલીનાં રમ્ય સ્થળોમાં મા રેવાના જળમાં પગ પલાળ્યો છે? દયારામની ગરબીઓ જ્યાંથી ફૂટી નીકળી અને હીરો સલાટ જ્યાં જીવતો ચણાઈ ગયો તે ડભોઈ કે અણહીલપુર પાટણ અને સહસ્રલિંગ તળાવના ર્જીણ અવશેષો જોઈને આપણાં સ્થાપત્યોની કરામતોની અદ્ભુતતા માટે અહોભાવનાની જાગૃતિ જન્મી છે? કબીરવડ કે પાનેથા ગુફા કઈ દિશામાં છે તે જાણો છો? ગરુડેશ્વરની શાંતિ અને ગોરા કોલોનીમાં પુન: પ્રતિષ્ઠિત થયા એ શુલપાણના વ્યંકટેશ પ્રત્યેની આસ્થાનાં કેન્દ્રો જોયાં છે?

સરદાર સરોવર જ્યાં આકાર લઈ રહ્યું છે તે નવા, એકવીસમી સદીના યાત્રાધામના પાયાના ચણતરમાં લાગણીઓની એક ઈંટ નહીં, ચપટી ધૂળ મૂકવાનો ઉમળકો આવ્યો છે ક્યારેય? ફર્ટિલાઈઝરનું કારખાનું કે ઉકાઈ બંધ જોયા છે? વાપીની ઔદ્યોગિક વસાહત, બીલીમોરાનું સોમનાથ મંદિર કે તીથલનો દરિયો, ડાંગ કે પંચમહાલના ઊંડાણના આદિવાસી જનજીવન માણ્યાં છે? રુદ્રમહાલયની કથા સાંભળી રોમાંચ થયો છે? મીરાદાતાર કે પીરાણા કે ભડિયાદ જતા યાત્રાળુઓનો પ્રવાહ જોયો છે?

આવાં બીજાં અનેક સ્થળે જઈ ગુજરાતના ઈતિહાસ, સંસ્કૃતિ, ધબકારાની શ્રદ્ધા પામી શક્યા છો? આ બધું તમારે નિરાંતે જોવું છે, માણવું છે, તમારા પરિવારને, બાળકોને દેખાડવું છે, ને ગુજરાત વિશે તેમને જાણકારી આપવા ઉત્સુક છો ને છતાં તમે ગુજરાત બહારનાં સ્થળોના આકર્ષણની લાલચ છોડી શક્યા નથી. પરિણામે પડખેના શહેરને જાણનાર શેરી અને ઘરથી સાવ અજાણ્યો રહે છે…

Leave a Reply