ભાષાપ્રેમથી સભર સંગીત

સંગીતમય મુન્શી પરિવાર સાથે થોડો સમય

- હિમાંશુ કીકાણી

એક રવિવારે પુસ્તકમેળામાં…
થોડા સમય પહેલાં, અમદાવાદમાં એક પુસ્તકમેળો યોજાયો હતો. પુસ્તકો સાથે કેસેટ્સ અને સીડીઝના પણ કેટલાક સ્ટૉલ હતા. મેળામાં ફરતાં ફરતાં, એક બહેન તેમના કોઈ સંબંધી સાથે વાતચીત કરતાં હતાં તેના શબ્દો કાને પડ્યા, ‘‘તમારે નાનાં છોકરાંને મઝા પડે એવું કંઈ લેવું હોય તો ‘મેઘધનુષ’ કેસેટ લો. આપણી ગુજરાતીમાં જ સરસ જોડકણાં, ગીતો…ને એવું બધું છે. રમતીયાળ ગીતોની કેસેટ વાગતી રહે અને છોકરાં પણ રમતાં રમતાં ઘણું શીખી જાય. ખાસ તો આપણી ગુજરાતી ભાષા શીખે!’’

તદ્દન અજાણ્યાં એ બે બહેનોની, સાવ અકસ્માત જ કાને પડેલી એ વાતચીત સાંભળીને બહુ આનંદ થયો. આનંદ એ વાતનો કે તેની થોડી જ વાર પહેલાં, લગભગ આવા જ કંઈક શબ્દોમાં એ ‘મેઘધનુષ’ કેસેટના સર્જક શ્યામલ-સૌમિલ મુન્શીએ પોતે પોતાની સંગીત સાધનાની વાત કરી હતી! મૂળ તો બંને ભાઈ સંગીતના સાધક, પણ બંનેએ એમાં માતૃભાષા પ્રત્યેનો પ્રેમ ગજબની અસરકારક રીતે વણી લીધો છે. એમણે જે ધ્યેય સાથે સંગીત સર્જન કર્યું, એના પરિણામનો દેખીતો પૂરાવો એમની સાથેની વાતચીત પછી થોડી જ વારમાં પુસ્તકમેળામાં મળ્યો!

સંગીતમય પરિવાર સાથે રૂબરૂ
આ વાત એક રવિવારના બપોરની. લગભગ બાર વાગ્યે, શ્યામલ-સૌમિલ મુન્શી અને સૌમિલભાઈનાં પત્ની આરતીબહેનને મળવાનું નક્કી થયું હતું. ફ્લેટના દરવાજે નેમપ્લેટ નહોતી, પરંતુ મા સરસ્વતીની સરસ મૂર્તિ હતી. ઘરમાં બીજું કોઈ નહોતું એટલે શ્યામલ-સૌમિલનાં માતા-પિતાએ પ્રેમથી આવકાર્યા. મોટી ઉંમર, છતાં મા પોતે મહેમાનો માટે પાણી લઈ આવ્યાં. સરસ મજાનો મોકળાશવાળો ફ્લેટ. મોકળાશ માત્ર જગ્યાની રીતે નહીં – ‘‘અહીં ક્યાંથી આવી ભરાયા’’ એવો લેશમાત્ર ભાર ન લાગે એવું ઘર. એક તરફ ભારતીય બેઠકવ્યવસ્થા અને થોડી કાંસ્ય કલાકૃતિઓ સિવાય એવું લાગે પણ નહીં કે આ જાણીતા સંગીતસર્જકોનું ઘર છે. જેવું એમનું સંગીત એવું જ હળવું ફૂલ જેવું એમનું ઘર – સંગીતનો પણ ભાર નહીં!

‘‘સાચું કહું તો અમે બંને ભાઈઓએ નાનપણથી જ સંગીત સાથે સંબંધ બાંધ્યો, પરંતુ સંગીતમાં જ કારકિર્દી બનાવીશું એવી કોઈ દિશાની સ્પષ્ટતા નહોતી,’’ બંને ભાઈમાં મોટા સૌમિલભાઈ થોડી વારમાં આવી પહોંચ્યા અને એમણે વાત માંડી. આટલું કહીને ઉમેર્યું, ‘‘બાળપણથી એટલે છેક હું બારેક વર્ષનો અને શ્યામલ 10 વર્ષનો હતો ત્યારથી અમે કાર્યક્રમો કરતા. ગુજરાતી શાયરી, ગઝલ વગેરે કંઠસ્થ કરીએ અને પછી કાર્યક્રમમાં તેનું પઠન કરીએ. સંગીત તો પાછળથી ઉમેરાયું.’’

કલાપ્રેમની કૂંપળ
સંસ્કારી અને કલાપ્રિય નાગર પરિવારમાં જન્મ એટલે સાહિત્યનો શોખ પણ બાળપણથી જ. માતા-પિતાએ ગળથૂથીમાં જ કલાપ્રેમ આપ્યો. પિતાએ જુદા જુદા રાગની સમજ વિકસાવી. સંગીતની રસમય ગલીઓમાં એ જ આંગળી ઝાલીને લઈ ગયા. પિતા સાથે માતાએ પણ બંને દીકરાને સંગીત તરફ એટલી હળવાશથી વાળ્યા કે બંનેની લગન એ તરફ વધતી ચાલી. એમાં અમદાવાદની હિન્દુ કૉલોનીની સ્વસ્તિક શિશુ વિહાર શાળામાં પણ શિક્ષણ ઉપરાંત સંગીતપ્રેમને પ્રોત્સાહન મળે એવું વાતાવરણ મળ્યું.

સૌમિલભાઈના મતે, શાળાના આચાર્ય દિનેશભાઈ ઠાકોર અને અન્ય શિક્ષકો કેશુભાઈ પરમાર અને ચંદ્રપ્રસાદ ઠાકરનો એમની સંગીતકેળવણીમાં પાયાનો ફાળો હતો. બીજી તરફ, આરતીબહેન શેઠ સી.એન. વિદ્યાલયમાં ભણ્યાં અને ત્યાં તેમને ‘સ્નેહરશ્મિ’ અને ભાઈલાલભાઈ શાહ જેવાનું પ્રોત્સાહન મળ્યું. ત્રણે એટલાં ભાગ્યશાળી કે તેમની સંગીત પ્રત્યેની ઋચિને પારખીને તેને જરૂરી ઉત્તેજન આપે તેવા શિક્ષકો તેમને મળ્યા. જે તે શબ્દોના સ્પષ્ટ ઉચ્ચાર, શબ્દો પર ક્યાં કેટલો ભાર આપવો જરુરી, ક્યાં વિરામ લેવો જોઈએ એ બધી પાયાની સમજ આ શિક્ષકોએ તેમને આપી. ત્યાર પછી કૃષ્ણકાંતભાઈ પરીખે ત્રણેને સંગીત અને ગાયકીની વિધિવત્ તાલીમ આપી.

પરંતુ આ બધું જ સંગીત પ્રત્યેના પ્રેમના કારણે થયું અને કર્યું, સંગીતમાં કારકિર્દી બનાવવાના હેતુથી નહીં. સૌમિલભાઈ કહે છે, ‘‘ત્યારે ખરેખર એવું કંઈ નહોતું વિચાર્યું કે મુંબઈ જઈશું ને કારકિર્દી બનાવીશું. હવે એમ થાય છે કે એવું વિચાર્યું હોત તો કદાચ સારું થાત.’’ જોકે જે થયું તે સારું થયું, કેમ કે એમની સંગીતયાત્રા અનાયાસ આગળ વધી ન હોત તો આજે તેમના સંગીતમાં જે હળવાશ છે એ ક્યાંય ખોવાઈ ગઈ હોત.
શિક્ષણ આગળ વધતું ગયું. સૌમિલભાઈએ સાયન્સમાં ગ્રેજ્યુએશન કરીને એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં મેડિકલ રીપ્રેઝન્ટેટિવ તરીકે કારકિર્દીની શરુઆત કરી. શ્યામલભાઈ એમ.બી.બી.એસ. કરીને વધુ ભણી પ્લાસ્ટિક સર્જન થયા. આરતીબહેનનો અભ્યાસ સંગીતમાં જ આગળ વધ્યો અને તેમણે સંગીતમાં અલંકારની ઉપાધિ મેળવી. પોતે જ્યાં ભણ્યાં એ જ શાળામાં તેમણે બાળકોને ક્લાસિકલ અને લાઈટ વૉકલના પાઠ ભણાવવાનું શરુ કર્યું.

સંગીતમય કારકિર્દીના પંથે
અભ્યાસ દરમિયાન અને ત્યાર પછી વ્યાવસાયિક કારકિર્દીમાં ગોઠવાતા ગયા એ દરમિયાન તેમનો સંગીત સાથેનો નાતો તો ચાલુ જ રહ્યો. ત્રણેનો પરિચય જૂનો એટલે સાથે જ કાર્યક્રમો આપતાં. 1980માં એમણે એક કાર્યક્રમની ગુજરાતને ભેટ ધરી – ‘મોરપિચ્છ’. એ ગાળો ગુજરાતી સંગીત માટે બહુ નાજૂક ગાળો હતો. અવિનાશ વ્યાસ અને દિલીપભાઈ ધોળકિયા જેવા દિગ્ગજો થકી ગુજરાતી સંગીતની એક નોખી ભાત ઉપસી હતી. તેમના પછી ક્ષેમુ દિવેટીયા, ગૌરાંગ વ્યાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય, રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ વગેરેએ ગુજરાતી ઘરોમાં ગુજરાતી ગીતો ગૂંજતાં કર્યાં. પરંતુ એમના પછી લોકો ગુજરાતી સંગીતથી ધીમે ધીમે વિમુખ થતા ચાલ્યા હતા.

ત્યારે તેમને ફરી સંગીત તરફ વાળવા શ્યામલ-સૌમિલે કંઈક જુદો ચીલો ચાતરવાનું નક્કી કર્યું. એમણે એક ચોક્કસ થીમ – વિષયવસ્તુને પકડીને ગીત-સંગીત ઉપરાંત આખું એક વાતાવરણ ભાવકોને આપવાનો પ્રયાસ કર્યો. ‘મોરપિચ્છ’ એ દિશામાંનો પહેલો પ્રયાસ હતો. રાધા-કૃષ્ણના અલૌકિક સંબંધને અર્ધ્ય આપતી, નરસિંહ મહેતા, મીરા અને દયારામથી માંડીને આધુનિક કવિઓની રચનાઓ પસંદ કરીને શ્યામલ-સૌમિલે તેની સંગીતમય રજૂઆત કરી. એવી રજૂઆત જેમાં ભાવકોને તદ્દન નોખી ભાત પાડતી આમંત્રણ પત્રિકા મળે, હૉલ પર સૌનું પંજરીથી સ્વાગત થાય, ગીતોની સાથે સાથે સ્ટેજ પર બાળકો ગેડીદડે રમે, દરેક ગીત પહેલાં તેની ભાવસભર ભૂમિકા બાંધવામાં આવે… સૌમિલભાઈ કહે છે, ‘‘આવું ગુજરાતી સુગમ સંગીતમાં પહેલાં કદાચ ક્યારેય થયું નહોતું. અમારા સિનિયર્સે બહુ મોટું પ્લેટફોર્મ તૈયાર કરીને ગુજરાતીઓને સંગીત તરફ વાળ્યા હતા, અમે તેમના તો ખાસ ઋણી છીએ. સંગીત તો બ્રિજ બાંધવા માટે છે. અમે વિચાર્યું કે જે એક વાર સંગીતના કાર્યક્રમમાં આવે તે કાયમ માટે આવતા થાય એવું કંઈક કરવું.’’ એમના એ પ્રયાસને ગુજરાતી પ્રજાએ વધાવી લીધો. એ શરુઆત થઈ 1980માં, હવે આ વર્ષે તેઓ ‘બારમાસી વૈભવ’ નામે તેમના રજતજયંતિ વર્ષમાં પ્રવેશને ઉજવી રહ્યા છે.

ત્યાર પછી તરત તેમણે ‘મોસમ તારી યાદની’ નામે બીજો, થીમ પર આધારિત કાર્યક્રમ આપ્યો. જેમાં સંબંધોની ભીની સંવેદનાની ભાવમય રજૂઆત કરતાં ઊર્મિગીતો આપ્યાં. પછી તો આ પ્રકારના થીમબેઝ્ડ કાર્યક્રમો અને તેની સાથોસાથ ભજન, ગઝલ, રાસગરબા, લગ્નગીતો વગેરેના કાર્યક્રમોનો પણ લાંબો દોર શરુ થયો.

આ બધું જ, સૌમિલભાઈ મેડિકલ રીપ્રેઝન્ટેટિવ તરીકેની રઝળપાટભરી જિંદગી જીવી રહ્યા હતા અને શ્યામલભાઈ પ્લાસ્ટિક સર્જરીના પાઠ શીખી રહ્યા હતા એ દરમિયાન થયું. સમયની સંકડામણ વચ્ચે પણ સંગીત પાંગરી રહ્યું હતું. દરમિયાન, સૌમિલ-આરતીની જૂની ઓળખાણ 1984માં લગ્નમાં પરિણમી અને સ્ટૅજ પરની સંગત ઘર સુધી વિસ્તરી. એ સાથે જ મૂંઝવણ વધતી ચાલી – કોને સમય આપવો – વ્યક્તિગત કારકિર્દીને કે સંગીતને? લાંબો સમય અસમંજસ, ચર્ચાવિચારણા ચાલી અને છેવટે સ્વાભાવિક રીતે જ સંગીતની જીત થઈ. સૌમિલભાઈએ 1990માં નોકરી મૂકીને પોતાનો સમય પૂર્ણપણે સંગીતને અર્પણ કરી દીધો.

વાતચીત લગભગ આટલે પહોંચી હતી ત્યાં શ્યામલભાઈ આવી ગયા. સીધા જમીન પર જ બેસી જઈને એ વાતચીતમાં જોડાઈ ગયા. કહે, ‘‘હું પ્લાસ્ટિક સર્જન છું અને એ લાઈન એવી છે કે તેમાં ઈમરજન્સી ભાગ્યે જ આવે. હું મારી રીતે, અમારા સંગીતનાં આયોજનોને ધ્યાનમાં રાખીને મારાં ઓપરેશન્સ શિડ્યુલ કરી શકું છું.’’ આરતીબહેને સંગીતશિક્ષણને જ કારકિર્દી તરીકે અપનાવ્યું હતું એટલે ત્રણેનો માર્ગ સંપૂર્ણપણે સંગીત તરફ વળી શક્યો.

સાહિત્યપ્રીતિએ સંકોર્યું સંગીત
જોકે ત્રણેએ નક્કી કર્યું હતું કે માત્રા ગાવા ખાતર ગીતો નથી ગાવાં. ત્રણેની સાહિત્યપ્રીતિને કારણે તેમણે જેમાં ગુજરાતી ભાષાનો આદર હોય, ભાષાનું ગૌરવ અને તેનો વ્યાપ વધે, તેનાં મૂળિયાં ઊંડાં ઊતરે તેવી રચનાઓ તૈયાર કરીને લોકોને આપવાનું નક્કી કર્યું. શરુઆત બાળકોથી કરવાનું નક્કી કર્યું અને સર્જાયું ‘મેઘધનુષ’. બાળકોને મજા પડી જાય તેવાં ગીતો, જોડકણાં, પ્રાર્થના વગેરે બાળસ્વરોમાં રજૂ થયું. આ ત્રિપૂટીએ પોતાની કંપની ‘ટચિંગ ટ્યૂન્સ’ સ્થાપી તેનાં મૂળ પણ ‘મેઘધનુષ’માં હતાં. થયું એવું કે એમણે માસ્ટરકૅસેટ તો તૈયાર કરી, પણ તેની કૉપીઝ તૈયાર કરીને લોકો સુધી કેવી રીતે પહોંચાડવી? સૌમિલભાઈ કહે છે, ‘‘આનંદ તો એ વાતનો કે ખુદ જગજિત સિંહ અમને એચએમવી કંપનીમાં લઈ ગયા અને અમારી કૅસેટ કરવાની ભલામણ કરી. અમે બે કૅસેટ સાથે એમાં સામેલ ગીતોની સરસ રંગીન બુકલેટ પણ તૈયાર કરી હતી. હતું કે બાળકોનો ધ્વનિ અને અક્ષર બંનેનો સાથોસાથ પરિચય કેળવવો. પણ એચએમવી કંપની બુકલેટ છાપવા તૈયાર નહીં. અમે પણ મક્કમ રહ્યા. વાત ત્યાં અટકી.’’

ખરેખર તો વાતની ત્યાં જ શરુઆત થઈ. નક્કી કર્યું કે હવે જાતે જે કૅસેટ રીલિઝ કરવી. પરિણામે બાળકો તો ઠીક, મોટેરાંને પણ મજા પડી જાય એવા એક સર્વાંગસંપૂર્ણ પૅકેજનો જન્મ થયો ‘મેઘધનુષ’ સ્વરુપે. જયા બચ્ચનના હસ્તે તેનું વિમોચન થયું અને બાળકોમાં તેણે ધૂમ મચાવી, જે આપણે શરુઆતમાં જોયું તેમ દસ વર્ષ પછી આજે પણ લોકપ્રિય છે.

ઉમદા વિચારોએ સંગીતને આપ્યું ઊંડાણ
શ્યામલભાઈ કહે છે, ‘‘અમે માત્ર ગુજરાતી જ ગાઈશું કે કમ્પોઝ કરીશું એવી રીજીડિટી કે કન્ઝર્વેટિવ એપ્રોચ નથી રાખ્યો. કાલે હિન્દી ફિલ્મોમાં સંગીત આપવાનું થશે તો એ પણ કરીશું કારણ કે આખરે તો જે કંઈ કર્ણપ્રિય છે તે સંગીત છે.’’ આટલી ભૂમિકા બાંધીને શ્યામલભાઈ વધુ વિગતથી તેમનું ધ્યેય સમજાવે છે, ‘‘અમને થતું કે એક ગુજરાતી તરીકે, એક કલાકાર તરીકે આપણું યોગદાન શું હોઈ શકે? આપણે બધા અવારનવાર ફરિયાદ કરીએ છીએ કે ભાષા લુપ્ત થાય છે. પણ કેમ થાય છે? એમાં લોકોનો વાંક નથી. આપણે એમને એવા મજબૂત વિકલ્પ નથી આપ્યા. આપણે બાળકો માટે લાયન કિંગ કે ટોમ એન્ડ જેરી કક્ષાનું, એક્સલન્ટ કહી શકાય એવું, ક્વૉલિટીવાળું પ્રોડક્શન આપ્યું નથી. પછી બકોર પટેલ કે છકો-મકો ભૂલાવા લાગે તેમાં કોનો વાંક? બીજું, દરેક વયને માટે સંગીત આપવાના પ્રયાસ ઓછા થયા છે. જે થયા છે તે અકસ્માત થયા છે, પણ એનું આયોજન નથી. ફિલ્મનાં ગીતો કેમ સફળ થાય છે? કેમ કે તેમાં નિર્ધારિત લક્ષ્ય માટેનું આયોજન હોય છે. લક્ષ્ય નક્કી હોય પછી તેમાં અનુરુપ લખાણ, પસંદગી, સ્વરાંકન અને નિર્માણ થવું જોઈએ.’’

સૌમિલભાઈ વાતને આગળ ધપાવતાં કહે છે, ‘‘આપણે તરસ્યા કાગડાની વાર્તા સાંભળી હતી. તેમાં કૂંજામાં પથરા નાખીને પાણી ઊંચે લાવનાર કાગડાને આપણે ચતુર કહેતા હતા. અત્યારનાં બાળકો એને મુરખ ગણે, કહેશે, સ્ટ્રો નાખીને પી લેવાયને? આમ અત્યારે સંદર્ભ બદલાયા છે.’’

સમય અને વય સાથે લય મિલાવતું સંગીત
આ બધા વિચારને તેમણે તેમની નવી કંપની ‘વન્ડરવૅવ્ઝ એન્ટરટેઈન્મેન્ટ પ્રાઈવેટ લિમિટેડ’ દ્વારા સાકાર કરવાનું આયોજન કર્યું છે. અત્યારે તેઓ ચાર પ્રકારની શ્રેણીમાં ગીત-સંગીત પીરસી રહ્યા છે – બાળકો માટે કોમલ, યુવાનો માટે ચંચલ, સરળ સુમધુર કવિતાની રજૂઆત માટે શીતલ અને વડીલો માટે મંત્રગાન, સ્તોત્ર વગેરે માટે નિર્મલ. તેમનું ધ્યેય છે ‘સમય અને વય સાથે લય મિલાવતું સંગીત’.

સમય અને વય સાથે તો આ ત્રિપૂટી તાલ મેળવી શકી છે, પણ પરસ્પરના લય તેઓ કેવી રીતે જાળવી શકે છે? બે ભાઈ વચ્ચે કે પતિ-પત્ની વચ્ચે ક્યારેય કોઈ ધૂન વિશે કે કોઈ રજૂઆત વિશે મતભેદ નથી થતા? ત્રણે પોતપોતાના ક્ષેત્રમાં માહેર હોય અને અત્યંત વ્યસ્ત હોય ત્યારે તો આવું થવાની ખાસ શક્યતા રહે. આરતીબહેન મજાકમાં કહે છે, ‘‘અમારી વચ્ચે કૉમ્યુનિકેશન ગૅપ નથી, કૉમ્યુનિકેશન ગલ્ફ છે! અમે ત્રણે સ્ટેજ સિવાય ભાગ્યે જ ભેગાં થઈ શકીએ છીએ!’’ ત્રણેના સ્વભાવ અને કામ કરવાની પદ્ધતિ પણ અલગ અલગ છે. શ્યામલભાઈ એકાંતપ્રિય છે, સૌમિલભાઈ મિત્રોના માણસ છે, તો વળી આરતીબહેનને ફરવાનો શોખ છે. શ્યામલભાઈ કહે છે, ‘‘તુષારભાઈ શુક્લ જેવા તો કહે છે કે તમે શ્યામલ-સૌમિલને સાથે રિહર્સલ કરતાં જૂઓ તો ચિંતામાં પડી જાવ કે આ કાર્યક્રમ થશે કઈ રીતે!’’ સૌમિલભાઈ વાતનો અંત લાવતાં કહે છે, ‘‘અમે રીઝલ્ટ પર ફોકસ કરીએ છીએ. પછી શ્યામલ-સૌમિલ-આરતી બધું ઓગળી જાય છે. ક્યારેક કોઈ કાર્યક્રમ કે કેસેટમાં સાતમાંથી પાંચ-છ ગીત કોઈ એકનાં જ હોય એવું પણ બને છે. અમે એટલું જ જોઈએ છીએ કે જે તે પ્રોડક્શન કે કાર્યક્રમને કોની, કેટલી જરૂર છે.’’

વિશેષ નોંધપાત્ર વાત એ કે તેમણે પોતાનાં પ્રોડક્શન, કાર્યક્રમોમાં બીજા કલાકારોનો પણ સાથ લીધો છે. ‘સ્વરસેતુ’ના નેજા તળે તેઓ દર બે મહિને એક સાંસ્કૃતિક કાર્યક્રમ કરે છે, જેમાં અન્ય કલાકારોને આમંત્રી તેમના પણ કાર્યક્રમ યોજાય છે. થોડા સમય પહેલાં તેમણે ‘હસ્તાક્ષર’ નામે છ સુપ્રસિદ્ધ ગુજરાતી કવિઓની રચનાઓનો પુષ્પગુચ્છ રજુ કર્યો તેમાં બીજા ઘણા કલાકારોનો સાથ લીધો. સૌમિલભાઈ કહે છે, ‘‘જગજિતજીએ ‘હસ્તાક્ષર’ માટે ગાવાની હા પાડી, આપણી ભાષામાં ગાવાની હા પાડી એનું અમારે મન બહુ મોટું મહત્ત્વ છે. શ્યામલે એમના માટે પહેલાં એક જ અંતરો લખ્યો હતો, તો જગજિતજીએ જ આગ્રહ કરીને બીજો લખાવ્યો!’’ શ્યામલભાઈ પોતે સરસ કાવ્યો-ગીતો લખી શકે છે.

પહેલો પ્રેમ સંગીત કે ભાષા?
પાર્થિવ ગોહિલ, સોલી કાપડિયા, ઉદય મઝુમદાર, નયનેશ, નીરજ પાઠક, વિધિ મહેતા, ગાર્ગી વગેરે માટે સૌમિલભાઈ કહે છે કે ગુજરાતી સુગમ સંગીતનું ભાવિ ખરેખર બહુ ઉજ્જવળ છે. આ સજ્જ કલાકારોને ગાવા માટે એટલી જ સબળ કૃતિઓ પણ નવી નવી મળતી રહે છે એ વિશેષ આનંદની વાત છે એમ કહેતાં સૌમિલભાઈ ઉમેરે છે, ‘‘તમે વિચારો, ‘મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી…’ આવો કોઈ વિચાર ગુજરાતીમાં લખાય, ગવાય, લોકો એને સાંભળીને વધાવી લે – આવું કદાચ બીજી ભાષામાં નહીં થતું હોય. ગીતો ગવાતાં હશે, પણ કવિતા? અહીં તો રઈસ મણિયાર લખે કે ‘સે સોરી, માય સન સોરી…’ તો એને પણ કમ્પોઝ કરીને ગાઈએ, જે લોકોને ગમે પણ ખરું. કોઈ પણ વિચારનું પઠન થાય, એ છપાય અને ગવાય પણ, આવું તો ગુજરાતીમાં જ થતું હશે.’’

ગુજરાતી ભાષા પ્રત્યેનો આ ત્રિપૂટીનો પ્રેમ અને નિસબત- કન્સર્ન વાત વાતમાં દેખાઈ આવે છે. એટલી હદે કે ક્યારેક તો એમ થાય કે એમનો પહેલો પ્રેમ સંગીત છે કે ભાષા? કદાચ આ જ કારણે એમનાં ગીત-સંગીત આટલાં લીલાંછમ્મ અને લોકપ્રિય બન્યાં છે.

બે વર્ષ પહેલાં નડિયાદની એક કૉલેજના સ્ટુડન્ટ્સ તેમને મળવા આવ્યા. તેમને 31મી ડિસેમ્બરે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ રાખવો હતો. પહેલાં તો બંને ભાઈઓએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ, એ રાત્રે તો લોકોને ડાન્સપાર્ટીમાં રસ હોય, ગુજરાતી ગીતો સાંભળવા કોણ આવશે? વિદ્યાર્થીઓ ન માન્યા, કાર્યક્રમ થયો અને એવો પ્રતિસાદ મળ્યો કે સૌમિલભાઈના શબ્દોમાં, ‘‘ઈન્ટરવલમાં જ આયોજકો આવીને કહી ગયા કે આવતા વર્ષે આ જ તારીખે આપણો કાર્યક્રમ નક્કી. આ ભાષાની તાકાત છે.’’

આ સંગીતમય પરિવારનું ગણિત કહો તો ગણિત ને વિચાર કહો તો વિચાર, બહુ સ્પષ્ટ છે – એક વાર ભાષાનું સ્થાન જશે તો તેનું સાહિત્ય, સંગીત, સંસ્કાર… બધું જશે. વાત તો સાચી, કેમ? તમે શું માનો છો?

4 Responses

  1. [...] આ સાથે જ વાંચો હિમાંશુભાઈ કિકાણીનો આ સંગીતમય મુનશી પરિવાર સાથે એમણે ગાળેલા થોડા સમય વિશેનો એક ખૂબ જ સ-રસ લેખ… આજે નેટ પર કંઇક શોધવા જતા અનાયાસે જ મને મળી ગયો… અને ખરેખર વાંચવાની ખૂબ જ મજા આવી… ભાષાપ્રેમથી સભર સંગીત ! [...]

  2. ખૂબ સુંદર આલેખન .. વાંચીને ખૂશી થઇ .. આપનો તથા ઉર્મીનો ખૂબ આભાર …!

  3. nice article…….

    ૧૨-૧૩ વર્ષની ઉંમરે મેં પણ એમને સી.એન.ના સ્ટેજ પર સાંભળેલા,તે આજે પણ બરાબર યાદ ……..
    એક પછી એક મોજાં વટાવતાં આગળને આગળને આગળ….

    ane saache j khub aagal aave tevi shubhechchaa sah

  4. એમના કાર્યક્રમો અમદાવાદમાં ઘણા માણ્યા છે. એ બધી યાદો તાજી થઈ ગઈ.
    ‘એમના એક કાર્યક્રમમાં ‘ વાંસલડી ડોટ કોમ’ ગીત પહેલી જ વાર રજુ થયું હતું અને ત્રણ વાર વન્સ મોર થયું હતું, તે યાદગાર પ્રસંગ હતો. એ વખતે ઓડીયન્સમાંથી કૃષ્ણ દવેને સ્ટેજ પર બોલાવી ઓળખાવ્યા હતા.
    સરસ પરીચય આપ્યો છે. આભાર.

Leave a Reply