આ બ્લોગ હવે બંધ થાય છે, હવે આપણે મળીશું www.cybersafar.com પર.
Filed under: Uncategorized | Leave a Comment »
આ બ્લોગ હવે બંધ થાય છે, હવે આપણે મળીશું www.cybersafar.com પર.
Filed under: Uncategorized | Leave a Comment »
- હિમાંશુ કીકાણી
‘દિવ્ય ભાસ્કર’ દૈનિકે હમણાં એક વિશેષાંક પ્રકાશિત કર્યો છે – ‘ઉત્સવ’. આ વિશેષાંકમાં ઇન્ટરનેટ પર ગુજરાતી અંગેના નીચે આપેલા લેખને પણ સમાવી લેવામાં આવ્યો. ત્રણ વર્ષ પહેલાં, ‘આરપાર’ સામયિક માટે આ જ પ્રકારનો લેખ લખ્યો ત્યારની સ્થિતિ અને આજની સ્થિતિમાં નોંધપાત્ર ફેર થયો છે એટલી સાનંદ નોંધ અને આ લેખ માટે યોગદાન આપનારા સૌ બ્લોગર વડીલો, મિત્રોના હાર્દિક ઋણસ્વીકાર સાથે, મેગેઝિન માટે મોકલાયેલો, કાપકૂપ વિનાનો આ લેખ…
ઇન્ટરનેટ પર ગુજરાતી ક્યાં અને કેટલે છે? જો ગૂગલ જેવાં સર્ચ એન્જિન અને યુનિકોડ આપણી મદદે ન હોય તો ઇન્ટરનેટ પર ગુજરાતીને શોધવાનું કામ ખરેખર ઘાસની ગંજીના આખા ગોદામમાંથી ઝીણી સોય શોધવા જેવું કપરું અને લગભગ અશક્ય બને.
આ ઉપલા વાક્યમાં ત્રણ કીવર્ડ છે – ઇન્ટરનેટ, ગુજરાતી અને યુનિકોડ. આમાંથી પહેલા બે શબ્દોમાં જો તમને રસ હોય તો આ લેખ તમારે કામનો છે અને બીજો શબ્દ – ગુજરાતી – જો તમને એકદમ વ્હાલો હોય, તો તો તમારે યુનિકોડ શબ્દને પણ કમ સે કમ, સમજવો તો પડે જ.
પણ, યુનિકોડ વિશે વધુ જાણતાં પહેલાં, આપણા મૂળ સવાલ પર પરત આવીએ – ઇન્ટરનેટ પર ગુજરાતી ક્યાં છે? જવાબ મેળવવા, આ લખનારે ત્રણેક વર્ષ પહેલાં ગૂગલ પર પહેલાં યુનિકોડ ફોન્ટની મદદથી કરેલો એક નાનકડો પ્રયોગ ફરી કરીએ.
ફરી યુનિકોડ શબ્દ પર અટક્યા? તો હવે પહેલાં એની જ વાત કરી લઈએ. `દિવ્ય ભાસ્કર‘ના વાચકો આમ તો હવે યુનિકોડથી પરિચિત છે, પણ નવા વાચકો માટે ફરી થોડી સમજ કેળવી લઈએ – યુનિકોડ એક પ્રકારના ફોન્ટ છે (અને મફત છે!). આપણા દેશમાં સ્થાનિક ભાષામાં કમ્પ્યૂટિંગ માટે શ્રીલિપિ, ઇન્ડિકા, ભાષાભારતી, આકતિ, સી-ડેક વગેરેના સ્ટાન્ડર્ડ પ્રોગ્રામ્સ ઉપરાંત, બીજા અનેક ફોન્ટનો ઉપયોગ થાય છે. આમાંના કોઈ પ્રોગ્રામ કે ફોન્ટ એકબીજા સાથે કમ્પેટિબલ નહીં. મતલબ કે અંગ્રેજીમાં એરિયલ ફોન્ટમાં લખેલું લખાણ ટાઇમ્સ ન્યૂ રોમન ફોન્ટમાં સહેલાઈથી ફેરવી શકાય, ગુજરાતીમાં એવું ન થાય. થાય માત્ર ગૂંચવાડો. ઇન્ટરનેટને તો વળી આમાંના કોઈ પ્રોગ્રામ સાથે સીધી ઓળખાણ નહીં. એટલે જ તો સ્થાનિક ભાષામાં વેબસાઇટનો ફેલાવો બહુ ઓછો રહ્યો છે.
આમં ધરમૂળથી પરિવર્તન લાવે છે યુનિકોડ. એ શું છે? યુનિકોડથી સ્થાનિક ભાષામાં કમ્પ્યૂટિંગ ગજબનું સહેલું થઈ ગયું છે, નામ પ્રમાણે એ યુનિફોમર્, બધે ચાલે ને નેટ પર તો દોડે એવા ફોન્ટ છે. ઇન્ટરનેટ પર ગૂગલ જેવા સર્ચ એન્જિનમાં પ્રાદેશિક ભાષામાં માત્ર યુનિકોડની મદદથી સર્ચ કરી શકાય છે. વેબસાઈટ કોઈ પણ ફોન્ટની મદદથી બનાવી શકાય, પણ એને સર્ચ કરવા માટે સાઈટ યુનિકોડમાં હોય તો જ વાત જામે. એટલે જ, હવે વિશ્વસ્તરે, પ્રાદેશિક ભાષાઓમાં યુનિકોડમાં જ સાઇટ તૈયાર કરવાનો ટ્રેન્ડ છે (`દિવ્ય ભાસ્કર‘ની પ્રિન્ટ એડિશન ઇન્ડિકાના ફોન્ટમાં તૈયાર થાય છે, પણ તેની સાઈટ યુનિકોડમાં છે!).
તો આપણે વાત કરતા હતા, ઇન્ટરનેટ પર ગુજરાતી શોધવા માટે ત્રણેક વર્ષ પહેલાં કરેલા પ્રયોગની. ત્યારે ગૂગલમાં હિન્દીભાષામાં યુનિકોડની મદદથી `ભારત‘ લખી સર્ચ કર્યું તો ૦.૧૨ સેકન્ડમાં અઢી લાખ વેબપેજનું લિસ્ટ હાજર થયું હતું. પછી અંગ્રેજીમાં `ગુજરાત‘ લખીને સર્ચ કર્યું તો ૦.૧૦ સેકન્ડમાં ૨૧ લાખ વેબપેજનું લિસ્ટ મળ્યું હતું. અને યુનિકોડથી ગુજરાતીમાં `ગુજરાત‘ લખીને સર્ચ કર્યું તો ગણીને ૩૧૫ વેબપેજ મળ્યાં હતાં.
આજે શું સ્થિતિ છે? યુનિકોડથી, હિન્દીમાં `ભારત‘ સર્ચ કરતાં ૦.૨૬ સેકન્ડમાં ૪૧ લાખ વેબપેજનું લિસ્ટ મળે છે. અંગ્રેજીમાં `ગુજરાત‘ સર્ચ કરતાં ૦.૦૮ સેકન્ડમાં ૧.૩૭ કરોડ વેબપેજનું લિસ્ટ મળે છે. અને ગુજરાતીમાં `ગુજરાત કરતાં? હૈયું સાબૂત રાખજો – ૦.૨ સેકન્ડમાં ૧.૮૫ લાખ વેબપેજનું લિસ્ટ મળે છે.
ક્યા બાત હૈ – સોરી, શું વાત છે! ત્રણ વર્ષ પહેલાં જ્યાં ૩૧૫ પાનાં મળ્યાં હતાં, એ જ શબ્દ સાથેનાં હવે ૧.૮૫ લાખ પાનાં મળે છે. ટૂંક સાર એટલો કે વાત પ્રોત્સાહક છે. હૈયું થોડું હરખાય એવી છે. ઇન્ટરનેટ પર ગુજરાતી ડાયરો જામી રહ્યો છે!
ગૂગલ પછી હવે બીજો પ્રયોગ કરીએ વિકિપીડિયા પર. `દિવ્ય ભાસ્કર‘ના વાચકો વિકિપીડિયાને પણ જાણે જ છે, છતાં નવા વાચકોના લાભાર્થે – ઇન્ટરનેટ પર વિકિપીડિયા નામનો એક નિ:શુલ્ક મહાવિશ્વજ્ઞાનકોષ છે, જેમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભાષામાં માહિતીપ્રદ લેખ લખીને યોગદાન આપી શકે છે. ત્રણેક વર્ષ પહેલાં તેમાં ૧૦૦થી વધુ ભાષામાં ૧૮ લાખથી વધુ લેખ પર કામ ચાલી રહ્યું હતું. તેમાંથી સાતેક લાખ લેખ અંગ્રેજીમાં હતા. હિન્દી, મરાઠી, તમિલ અને તેલુગુ ભાષામાં તેમાં ૧,૦૦૦થી વધુ લેખ હતા. સંસ્કૃતમાં પણ ૬૦૨ લેખ હતા અને ગુજરાતીમાં? ના, બિલકુલ નહોતા એવું નહોતું, ૧૪૯ લેખ તો હતા.
અને આજે? અંગ્રેજીને તો ભૂલી જ જઈએ, હિન્દીમાં ૨૦,૦૦૦થી વધુ, મરાઠીમાં ૧૮,૦૦૦ જેટલા, તમિલમાં ૧૪,૦૦૦ જેટલા અને તેલુગુમાં ૪૦,૦૦૦ જેટલા લેખ છે. સંસ્કતમાં ૩,૮૫૦ અને ગુજરાતીમાં ૧,૭૧૧ લેખ છે.
નિરાશ થયા? ચાલો કંઈક ગમે એવી વાત કરીએ. ત્રણેક વર્ષ પહેલાં ગુજરાતીમાં બ્લોગની સંખ્યા ખરેખર આંગળીના વેઢે ગણી શકાય એટલી હતી. હવે આ સંખ્યા, ગુજરાતી વાર્તાની રાજકુમારીની જેમ, દિવસે ન વધે એટલી રાતે વધી રહી છે.
આટલે સુધીમાં આંકડાઓનો ઘણો મારો થયો છે, એટલે ભારતમાં ઇન્ટરનેટનો પગપેસારો કેટલો થયો છે અને કેટલો ઝડપથી વધી રહ્યો છે એ જણાવતા આંકડાઓની પળોજણમાં નહીં પડીએ. ફક્ત એટલું જાણી લો કે એક સમયે ડોટ.કોમનો બબલ ફૂટ્યા પછી મોટા ભાગે દુનિયાએ ઇન્ટરનેટના નામનું નાહી નાખ્યું હતું એમાં આજે ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. મોટી મોટી કંપનીઓને ઇન્ટરનેટની તાકાતમાં વિશ્ર્વાસ બેઠો છે. ભારતમાં, ખાસ કરીને યુવાવર્ગમાં એનો ઉપયોગ ખાસ્સો વધ્યો છે અને એટલે જ હવે ધરખમ એડવર્ટાઇઝિંગ એજન્સીઝ ખાસ ઇન્ટરનેટ પરની જાહેરાત માટે અલગ સેકશન્સ ઊભાં કરી રહી છે. માહિતીના પ્રસાર માટે આ એક અત્યંત સગવડીયું અને સસ્તું માધ્યમ હોવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ ગામડે ગામડે કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ પહોંચાડવાની વેતરણમાં ગળાડૂબ થઈ ગઈ છે. ખેડૂતો ઇન્ટરનેટ પર ઘઉં કે જીરાના ભાવ જાણીને, સારો ભાગ લાગે તો જ બાજુના શહેરના માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક વેચવા લઈ જાય એવા દિવસો પણ હવે ભારતમાં આવી પહોંચ્યા છે. મતબલ કે ઇન્ટરનેટ ઇઝ ઇન થિંગ.
હવે સવાલ એ છે કે વિશ્વની આજ અને આવતીકાલ જેના પર નિર્ભર છે તે ઈન્ટરનેટ પર આપણી ભાષા અને આપણે ક્યાં છીએ ? આપણે ગુજરાતીઓ વિશ્વપ્રવાસી મહાજાતિ હોવાનું ગૌરવ લઈએ છીએ, વિશ્વમાં ગુજરાતી ભાષા જાણતા લોકોની વસતિ છએક કરોડ હોવાનો અંદાજ છે અને સમગ્ર વિશ્વમાં સંવાદ માટેનું સૌથી સગવડીયું સાધન ઈન્ટરનેટ છે. આમ છતાં, ઈન્ટરનેટ પર ઝાઝું વપરાતી ભાષાઓમાં ગુજરાતીનું નામ ક્યાંય દેખાતું નથી.
કેમ? થોડા ઊંડા ઊતરીએ.
ભારતીય ભાષાઓમાં ઈન્ટરનેટ
ઈન્ટરનેટ પર ગુજરાતી ભાષા કેટલીક વિસ્તરી છે એ જાણતાં પહેલાં થોડી વાત બીજી ભાષાઓની કરી લઈએ. દુનિયાની લગભગ ૨૧ ટકા વસતિ સુધી ઈન્ટરનેટ પહોંચી ગયું છે અને તેનો સૌથી વધુ ઉપયોગ અંગ્રેજીમાં થાય છે. બીજા ક્રમે ચાઇનીઝ અને પછી સ્પેનિશ, જાપાનીઝ, ફ્રેન્ચ વગેરે ભાષાઓનો ક્રમ આવે છે. ભારતની કુલ વસતિ ધરખમ છે, પણ સાથે ભાષાનું અપાર વૈવિધ્ય છે એટલે પણ કદાચ ટોપ લેંગ્વેજીસની યાદીમાં હિન્દી ક્યાંય જોવા મળતી નથી.
હવે ભાષાવિજ્ઞાનની રીતે જોઈએ તો, આપણું, માનવ જાતિનું ભાષાવિજ્ઞાન અત્યારે ત્રીજા તબક્કામાં પહોંચ્યું છે. પહેલો તબક્કો, જેમાં બોલાતી ભાષા વિકસી. બીજા તબક્કામાં ભાષા લખાવાનું અને પ્રિન્ટ થવાનું શરૂ થયું અને ત્રીજા તબક્કામાં ભાષાએ ડિજિટલ સ્વરૂપ લીધું. એ પછી તો ભાષાને કોઈ અંતરાય, કોઈ બંધન કે કોઈ સીમાડા રહ્યા નથી. નથી તેને સમયનું બંધન રહ્યું. કમ્પ્યૂટરની શોધ થઈ અને ઈન્ટરનેટનો ઉદભવ થયો એ સાથે વિશ્વની મોટા ભાગની ભાષાના વિદ્વાનોએ પોતાની ભાષાને ડિજિટલ સ્વરૂપ આપી, નવી ટેકનોલોજીનો બને તેટલો લાભ લણી લેવાની મથામણ આદરી.
ભારતીય ભાષાઓમાં પણ આ પ્રયાસો શરૂ થયા. મોટા ભાગે બને છે તેમ આ બાબતમાં પણ દક્ષિણનાં રાજ્યો આગળ રહ્યાં. ત્યાંની યુનિવર્સિટીઓમાં આ બાબતે મોટા પાયે સંશોધનો શરૂ થયાં. સ્થાનિક ભાષાઓમાં કમ્પ્યૂટરનો ઉપયોગ શક્ય બનાવે તેવાં સોફ્ટવેર વિક્સાવવામાં આવ્યાં. બીજી ભાષાઓ સાથે સાથે ગુજરાતીને પણ લાભ મળ્યો અને ગુજરાતી ભાષાનાં સોફ્ટવેર વિકસ્યાં. પરિણામે કમ્પ્યૂટર પર ગુજરાતીનો વપરાશ સરળ બન્યો અને ગુજરાતીમાં પણ વેબસાઈટ બનવા લાગી.
દરમિયાન, જેમ અંગ્રેજી ભાષામાં મેટર કમ્પોઝ કરવા માટે ફક્ત એક જ પ્રકારનું કી-બોર્ડ વપરાય છે તેવું સ્થાનિક ભાષાઓમાં બન્યું નહીં. જુદાં જુદાં ઘણે ઠેકાણે પ્રયાસો થયા હોવાથી જુદાં જુદાં સોફ્ટવેર અને કી-બોર્ડનો વપરાશ શરૂ થયો અને ખાટલે મોટી ખોડ એ રહી કે આ જુદાં જુદાં સોફ્ટવેર વચ્ચે કોઈ સાંધામેળ નહોતો. મતલબ કે એક સોફ્ટવેર વાપરીને લખાયેલું લખાણ મોટા ભાગે બીજું સોફ્ટવેર `વાંચી‘ કે `સમજી‘ શકતું નથી. હવે તો આ દિશામાં પણ ઘણી પ્રગતિ સધાઈ છે અને `યુનિકોડ‘નો ઉપયોગ વધી રહ્યો છે. શરૂઆતમાં જણાવ્યું તેમ યુનિકોડ પ્રાદેશિક ભાષાઓ માટે એવું વરદાન છે, જે ઈન્ટરનેટ પર પ્રાદેશિક ભાષાના ઉપયોગ આડેના ઘણાખરા અંતરાય દૂર કરે છે.
ઈન્ટરનેટ પર ગુજરાતી ડાયરો
ઇન્ટરનેટનો વધતો વ્યાપ જોઈને ઘણા ઈન્ટરનેટસાહસિકોએ પ્રારંભિક ઉત્સાહમાં આવીને, બધી મુશ્કેલીઓનો હલ શોધીને પણ ગુજરાતીમાં વેબસાઈટ્સ બનાવી હતી. એટલે તો કેમછો.કોમ, મણીબેન.કોમ, અસ્મિતા.કોમ વગેરે જેવી ગુજરાતની વાત ગુજરાતી ભાષામાં માંડતી વેબસાઈટ્સ ફૂટી નીકળી. `ફૂટી નીકળી‘ શબ્દપ્રયોગ બરાબર જ કેમ કે લગભગ ૧૯૯૯-૨૦૦૦ના એ સમયગાળામાં, એ સમયે જાણીતા બનેલા `ડોટ.કોમ બબલ‘ શબ્દ અનુસાર, ઘણી વેબસાઈટ અને આઈટી વેન્ચરના પરપોટા ફૂટી નીકળ્યા હતા. રીડિફ.કોમ જેવા પ્રમાણમાં મજબૂત પોર્ટલના પ્રાયોજકો પણ પ્રાદેશિક ભાષા તરફ આકર્ષાયા હતા.
રીડિફે પહેલાં હિન્દી, તમિળ અને તેલુગુમાં પોર્ટલ લોન્ચ કર્યાં અને પછી ૨૦૦૦માં ગુજરાતી પોર્ટલ પણ લોન્ચ કર્યું. ઈન્ફોઈન્ડિયા.કોમ પણ ગુજરાતીમાં પોર્ટલ શરૂ કરે તેવી શક્યતાઓ ઊભી થઈ હતી. એ સમયે તો જેમ અખબારોને સેટેલાઈટ ચેનલોએ મજબૂત હરીફાઈ પૂરી પાડી તેમ ઈન્ટરનેટ પોર્ટલ સેટેલાઈટ ચેનલનાં હરીફ બને તેવી હવા ભી થઈ હતી. પરંતુ એ બધાં અંતે પરપોટા જ સાબિત થયાં. ઈન્ફોઈન્ડિયા.કોમે ગુજરાતી સાહસ શરૂ કરવાનું જ માંડી વાળ્યું. રીડીફ.કોમે ધીમેકથી અંગ્રેજી સિવાય બીજી બધી ભાષાના વાવટા સંકેલી લીધા. સ્થાનિક ભાષાની આવી તો કંઇક વેબસાઇટ્સના પાળિયા નેટ પર ખોડાઈ ગયા.
સાવ આવું કેમ થયું ? રીડીફ.કોમના ગુજરાતી પોર્ટલ સાથે ત્રણેક વર્ષ સંકળાયેલા જાણીતા પત્રકાર દિલીપ ગોહિલ સ્પષ્ટ કારણ આપે છે, “એ સમયે ઈન્ટરનેટના વપરાશ અને કમાણીના જે અંદાજ બાંધવામાં આવ્યા હતા તે વધુ પડતા હતા. હકીકતમાં એટલો ઝડપી વધારો થયો નહીં. ત્યારે ઈન્ટરનેટ ઘણું મોંઘું પણ હતું. બીજું, મોટા ભાગે વેબસાઈટ બનાવનારા લોકો આ મીડિયમને સમજી જ શક્યા નથી. સ્થાનિક સ્તરે પણ ઈન્ટરનેટની ઉપયોગિતા છે, એ સમજવાને બદલે માત્ર વિદેશના ગુજરાતીઓ માટેનું ધ્યાન ખેંચવાના પ્રયાસો થયા. રીડિફના કેસમાં, એ એક ઓર્ગેનાઈઝ્ડ એફર્ટ હોવા છતાં આખરે તો વિદેશમાં જ તેની રીડરશીપ ઊભી થઈ, જેના જોર પર અહીં આવક ઊભી થઈ શકે તેમ નહોતી.”
ગુજરાત સરકારનાં જુદાં જુદાં ખાતાં અને વિભાગો માટે ગુજરાતી વેબસાઈટ બનાવવાનો બહોળો અનુભવ ધરાવતી સાયબરસર્ફ નામની એક કંપનીના ડિરેક્ટર સમીરભાઈ સંઘવી કહે છે, “મોટા ભાગની ગુજરાતી વેબસાઈટ બિઝનેસ સ્ટ્રેટેજીના બદલે ઉત્સાહના આવેશમાં શરૂ કરાયેલાં સાહસ હતાં. ડિમાન્ડ ન હોય, માત્ર આઈડિયા હોય અને વેબસાઈટ બનાવી દેવામાં આવે તો પરિણામ આવું જ આવે.” જ્યારે અંગ્રેજી વેબસાઈટને પણ ખર્ચ સરભર કરવાનાં સાસાં હતાં ત્યાં પ્રાદેશિક ભાષાની વેબસાઈટના તો કેવા હાલ હોય?
એ સમયમાં, અમદાવાદના પત્રકાર હરસુખભાઈ થાનકીનાં દીકરી પ્રતિક્ષાએ ગુજરાતી ઘરોમાં ઇન્ટરનેટ જ્યારે સાવ નવો શબ્દ હતો ત્યારે પહેલાં `જનસત્તા‘ અને પછી કલકત્તાથી પ્રકાશિત `હલચલ‘ સાપ્તાહિકમાં `વેબ એટ હોમ‘ નામે કૉલમ લખવાની (અને તંત્રીઓએ છાપવાની!) હામ ભીડી હતી. એમ, બીજા એક પત્રકાર દિલીપ ભટ્ટે પણ `સંદેશ‘ અને સુરતના `ધબકાર‘માં આ પ્રકારની કૉલમ ચલાવી. ૨૦૦૩માં બંનેનાં પુસ્તકો પણ આવ્યાં. આ બધા પ્રયાસોથી ગુજરાતીઓનો ઇન્ટરનેટ સાથેનો પરિચય વધ્યો, પણ નેટ પર ગુજરાતીનો વ્યાપ હજી ઠેરનો ઠેર હતો.
ગુજરાતી બ્લોગ્સ અને વેબસાઈટ્સમાં ડોકિયું
આ આખી કહાણીમાં એક રસપ્રદ ટ્વીસ્ટ લાવ્યા દેશ-વિદેશના ગુજરાતી બ્લોગર્સ. જેમણે કમાણીના બદલે નિજાનંદ માટે ઈન્ટરનેટને માધ્યમ બનાવ્યું તેઓ લાંબું ખેંચી ગયા. જેમ કે ફિલાડેલ્ફિયામાં રહેતા કિશોર રાવળ નામના એક સાહિત્યરસિકે છેક ૧૯૯૯માં કેસૂડાં.કોમ શરૂ કરી હતી, એ હજી સુધી ગુજરાતી સાહિત્ય પીરસતી રહી છે. ૨૦૦૪-૦૫ના અરસામાં `ફોર એસવી – પ્રભાતનાં પુષ્પો‘ નામે, ગુજરાતી સાહિત્યના એક શોખીને ગમતાં ગુજરાતી ગીતો અને કવિતાઓને પોતાના બ્લોગમાં મૂકવાની હોબી કેળવી. પછી તો ધીમે ધીમે ગુજરાતી બ્લોગની સંખ્યા વધવા લાગી. વડોદરામાં રહેતા મૃગેશ શાહે રીડગુજરાતી.કોમ નામે એક માસિક વેબમેગેઝિન શરૂ કર્યું. પ્રોફિટના ધ્યેય વિના, સમાજ માટે કંઈક ઉપયોગી, સારું વાંચન આપવાના આશયથી શરૂ કરવામાં આવેલા એ વેબમેગેઝિને સારી એવી લોકપ્રિયતા મેળવી અને અનેકને બ્લોગિંગની પ્રેરણા પણ આપી.
યુનિકોડના ઉપયોગથી શરૂ થયેલા આ બ્લોગ્સે ધીમે ધીમે યુનિકોડને પણ લોકપ્રિય બનાવ્યા. મજાની વાત એ હતી કે શરૂઆતમાં, લેખન કે ટેક્નોલોજી બંનેમાંથી લગભગ કોઈ વાતનું બેકગ્રાઉન્ડ ન ધરાવતા લોકોએ બ્લોગિંગને લોકપ્રિય બનાવવામાં સિંહફાળો આપ્યો. કવિતાપ્રેમીઓને તો બ્લોગિંગનો કેફ થઈ પડ્યો. સુરતના ડૉ. વિવેક ટેલરે સ્વરચિત કાવ્યોનો પહેલો બ્લોગ બનાવ્યો અને દર શનિવારે નવી કતિ મૂકવાનો ક્રમ રાખ્યો. અમેરિકાસ્થિત એમના ડૉક્ટર મિત્ર, અને સમાન કવિતાપ્રેમી ધવલ શાહના સાથમાં બંનેએ `લયસ્તરો‘ નામે બ્લોગ બનાવ્યો, જેમાં આજે ૪૫૦થી વધુ કવિઓની ૧૧૫૦ જેટલી રચનાઓ માઉસની ક્લિકે માણી શકાય છે. ડૉ. વિવેક ટેલર કહે છે, “ગુજરાતી ભાષા પુસ્તકોના સીમાડા વળોટીને હવે સાચા અર્થમાં ગ્લૉબલ બની રહી છે. ઈન્ટરનેટ અને યુનિકોડ ફૉન્ટના સથવારે છેલ્લા ત્રણ વર્ષમાં ઢગલાબંધ બ્લૉગ અને અવનવા દિમાગોની સીડીના પગથિયે ચડીને આજે ગુજરાતી ભાષા નવા આકાશને આંબી રહી છે, કહો કે નવું સરનામું પામી રહી છે.”
જોકે ગુજરાતી બ્લોગ્સ સામે એક મોટી ફરિયાદ એ જ છે કે મોટા ભાગના બ્લોગ્સ કવિતા વિષયક છે. તમને મનગમતી કવિતાના બે-ચાર શબ્દો લખતાં આખી કવિતા વાંચવા મળી જાય એવા ચાન્સ હવે બહુ ઉજળા છે. એમ, એ કવિતા સાંભળવા અને માણવા મળે એવી શક્યતા પણ ખરી. ચાન્સ પણ ખરા. કેમ કે લોસ એન્જલસનાં જયશ્રી ભક્તે અનેક જાણી-અજાણી ગુજરાતી રચનાઓને ઇન્ટરનેટ પર વહેતી મૂકી છે. એમની જેમ મૂળ અમદાવાદ અને લંડનમાં સ્થાયી થયેલા નીરજ શાહે પણ ૮૦થી વધુ કવિઓ અને ૧૩૦ જેટલા ગાયકો-સંગીતકતારોનાં ૩૦૦થી વધુ ગીતોનો રણકાર ઇન્ટનેટ પર ગૂંજતો કર્યો છે. આ બધું જ વિનામૂલ્યે અને ગુજરાતી ભાષાના પ્રેમને કારણે.
ન્યૂ જર્સીનાં મોના નાયકે ર્મિસાગરના નામે, કોઈ એક શબ્દ અપાય અને લોકો એના પર આખી કવિતા લખે એવો સહિયારાસર્જનનો પ્રયોગ આદર્યો. અમદાવાદમાં એન્જિનીયર તરીકે નિવ્ત્ત થયા પછી અમેરિકા ગયેલા સુરેશભાઈ જાનીએ હરીશ દવે, અમિત પિસવાડિયા, જયશ્રી ભક્ત, મોના નાયક વગેરેના સાથમાં બ્લોગમાં કવિતા ઉપરાંતની નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો અને ગુજરાતી સારસ્વતો અને વ્યક્તિવિશેષોની જીવનઝાંખી બ્લોગ પર મૂકવાની શરૂઆત કરી. દાહોદનાં રાજેશ્વરીબહેન શુક્લે શિક્ષિકા તરીકે નિવૃત્ત થયા પછી નેટ પર બાળકોનો કલરવ ગૂંજતો કર્યો છે. તો આણંદ પાસેના બાકરોલના જયંત પટેલે ગુજરાતી પુસ્તકાલય નેટ પર લઈ જવાનો પ્રયાસ કર્યો. આમ દુનિયાભરના અનેક ખૂણેથી ઇન્ટરનેટ પર ગુજરાતી ખેડાણ શરૂ થયું છે. જૂનાગઢના રાજીવ ગોહેલે ઑસ્ટ્રેલિયામાં રિસર્ચ કરતાં કરતાં પણ બ્લોગથી કવિતા અને માત્ભાષા સાથેનો સંબંધ જાળવી રાખ્યો છે. આવાં તો અનેક ઉદાહરણ છે.
બ્લોગ શરૂ કરનારા મોટા ભાગના લોકોને હવે એનું વ્યસન થઈ પડ્યું છે. સુરેશભાઈ જાની કહે છે, “ મેં બ્લોગ શરૂ કર્યો ત્યારે તો મને એમ કે, એ કોણ વાંચશે? પણ એક જ અઠવાડિયામાં ૧૦૦ ઉપરાંત મુલાકાતીઓ અને એમાંના ૯૦ ટકા તો સાવ અજાણ્યા! બસ, ત્યારથી આ વ્યસન થઈ ગયું છે.” અમદાવાદના હરસુખભાઈ થાનકી પોતે પત્રકાર અને તેમાં બ્લોગર દીકરીનું પ્રોત્સાન મળ્યું! હવે હરસુખભાઈ કહે છે કે તેમને જોઈને બીજા એક-બે મિત્રો પણ બ્લોગર બની ગયા છે. આ આનંદ કંઇક અનેરો જ છે! ડૉ. ધવલ શાહનો મત પણ માણવા જેવો છે, “ બ્લોગજગત જેવી અદભૂત મહેફિલ બીજે ક્યાં જોવા મળવાની! બ્લોગને લીધે એટલા બધા નવા મિત્રો મળ્યા છે જે બીજી કોઈ રીતે મળી શકત નહીં. સંસ્કૃતમાં સુભાષિત છે કે સરખા મનવાળો એક મિત્ર મળવો પણ ઈશ્વરની મહેરબાની છે, જ્યારે અહીં તો આખી ફોજ મળી ગઈ!”
ઇન્ટરનેટ પર ગુજરાતી માટે વિવિધ પહેલ
ઇન્ટરનેટ પર ગુજરાતીના પ્રસારની સૌથી મજાની વાત એ છે કે અહ મોટા ભાગે, ગુજરાતી ભાષાની સેવા અને પરસ્પરને મદદરૂપ થવાનો અભિગમ સૌથી આગળ છે. ગુજરાતીઓએ માત્ર બ્લોગર બનીને સંતોષ માનવાને બદલે, નેટ પર પોતાની ભાષાના પ્રસાર માટે વિવિધ પહેલ પણ કરી જાણી છે.
લંડનસ્થિત ઉદ્યોગપતિ રતિલાલ ચંદરિયાએ આખા ગુજરાતી શબ્દકોષને ડિજિટલ અને ક્લિક પર અવેલેબલ બનાવીને ગુજરાતી ભાષામાં જાણે એક નવો જ અધ્યાય શરૂ કર્યો. એમના ચંદરિયા ફાઉન્ડેશને ગુજરાતી સ્પેલચેકરની પણ ભેટ આપી. મુંબઈમાં ગુજરાતી કમ્પ્યૂટર ટેક્નોલોજી માટે કાર્યરત ઉત્કર્ષે આ બધામાં યોગદાન આપ્યું. ઉદ્યોગપતિ રતિભાઈ, શિક્ષક ઉત્તમભાઈ ગજ્જર અને ઇજનેર બળવંતભાઈ પટેલની વયોવ્દ્ધ ત્રિપુટીએ વાંચનક્ષમ ગુજરાતી રચનાઓની પીડીએફ ફાઇલ બનાવીને `સન્ડે ઇ-મહેફિલ‘ રૂપે દર રવિવારે ઇમેઇલ દ્વારા વહેતી મૂકવાની એક સરસ પહેલ કરી. એમણે ટેક્નોલોજીને ઉંમરનો કોઇ બાધ નડતો નથી એ સાબિત કરી દીધું.
ડૉ. ધવલ શાહે, કમ્પ્યૂટરમાં યુનિકોડ એક્ટિવેટ કરવાની વિધિ એકદમ સરળ રીતે, સ્ક્રીનશોટ્સ સાથે સમજાવીને અનેક નવા બ્લોગર માટે માર્ગ મોકળો કરી દીધો. તો અમેરિકાસ્થિત વિશાલ મોણપરાએ અંગ્રેજીમાં ટાઈપ કરતાં ગુજરાતી લખાણ મળે એવું અફલાતૂન, ઓનલાઇન ટાઇપપૅડ તૈયાર કરી આપ્યું. વિશાલે અન્ય ફોન્ટના લખાણને યુનિકોડમાં કન્વર્ટ કરવાની સુવિધા પણ આપીને પાયાનું કામ કર્યું. વિશાલે ગુજરાતી અખબારો ફોન્ટ ડાઉનલોડ કર્યા વિના યુનિકોડમાં વાંચી શકાય એવી પણ સુવિધા આપી.
મોના નાયકે બધા ગુજરાતી બ્લોગની લિંક ધરાવતી એક યાદી બનાવી, તો પૂણેસ્થિત વિનય ખત્રીએ `ફનએન્ડગ્યાન‘ નામે અને દુબઇસ્થિત નિલેશ વ્યાસે `કાકાસાબ‘ નામે ટૂલબાર બનાવીને લગભગ તમામ ગુજરાતી બ્લોગનું સરસ વર્ગીકરણ કરીને નેટ પર ગુજરાતી વાંચનને બિલકુલ માઉસવગું કરી દીધું. નિલેશભાઈએ ગુજરાતી બ્લોગ્સના બધા તાજા લેખ એક સાથે એક સ્થળે વાંચી શકાય એવા એગ્રીગેટરની `નિપ્રા‘ નામે ભેટ આપી. એમની જેમ અમદાવાદના પંકજ બેંગાણી અને એમના સાથીદારોએ પણ `તોરણ‘ નામે બ્લોગ એગ્રીગેટર આપ્યું (તેમણે હિન્દી `ચીઠ્ઠાજગત‘ (એટલે કે બ્લોગજગત)માં પણ સારું એવું પ્રદાન કર્યું છે). આ ટીમે શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગના એવોર્ડની પહેલ પણ કરી. વડોદરામાં જન્મેલા ચિરાગ પટેલે કમ્પ્યૂટરના અઘરા વિષયને સરળ ગુજરાતીમાં સમજાવવાની શરૂઆત કરી. પાલનપુરમાં જન્મેલા કાર્તિક મિસ્ત્રી બ્લોગર તો છે જ, પણ એમણે તો વળી જોરદાર બ્રાઉઝર ફાયરફોક્સનું ગુજરાતી વર્ઝન તૈયાર કરવામાં સિંહફાળો આપ્યો! એમની જેમ જ, રેડ હેટ ઇન્ડિયા માટે પૂણેમાં કાર્યરત અંકિત પટેલે પણ ફાયરફોક્સના લોકલાઇઝેશન માટે કામ કર્યું.
આ બધાની મહેનત હવે રંગ લાવી રહી છે. નેટ પરનું ગુજરાતી હવે બ્લોગ પૂરતું સીમિત રહ્યું નથી. `દિવ્ય ભાસ્કર‘, `સંદેશ‘, `બિઝનેસ સ્ટાન્ડર્ડ-ગુજરાતી‘ વગેરેની વેબસાઇટ પણ હવે યુનિકોડમાં હોવાથી ઇન્ટરનેટ પર ગુજરાતી વાચકવર્ગ વિસ્તરી રહ્યો છે (કાર્તિક મિસ્ત્રી ભારપૂર્વક કહે છે કે “સમાચારપત્રો ઇ.સ. પૂર્વેની નોન-યુનિકોડ ટેકનોલોજી છોડીને યુનિકોડ ફોન્ટ અપનાવે તે તો ખાસ અગત્યનું છે”). યાહૂએ ગુજરાતી પોર્ટલ શરૂ કર્યું છે તેમ, વેબદુનિયાની ગુજરાતી આવ્ત્તિ પણ છે. ગુજરાત સરકારની મોટા ભાગની નવી સાઇટ્સ હવે યુનિકોડમાં તૈયાર થઈ રહી છે (ગૃહવિભાગની ૭૧ જેટલી પેટાસાઇટ્સ યુનિકોડમાં જ છે). આ બધું જોતાં નેટ પર ગુજરાતીનો પ્રસાર હજી વધશે એવી ધરપત ચોક્કસ રાખી શકાય.
આમ છતાં…
જોકે આ ધરપત માત્ર ગુજરાતીના પ્રમાણ પૂરતી છે. વિષય વૈવિધ્ય અને ગુણવત્તા બંનેનો મોટો સવાલ હજી ઊભો જ છે.
મોટા ભાગના બ્લોગર્સ પણ સ્વીકારે છે કે આ તો હજી પાશેરામાં પહેલી પૂણી છે. સુરેશભાઈ જાની કહે છે, “ગુજરાતી બ્લોગિંગના વિષયો બહુ જ સીમિત છે. વિકિપીડિયા સ્તરનું કામ ગુજરાતીમાં બહુ જ ઓછું થયું છે. કવિતા તો ૮૦ ટકા બ્લોગ પર પથરાયેલી છે! અનેક વિષયો પર ખેડાણ થવું હજી બાકી છે.” ડૉ. ધવલ શાહ કહે છે કે “ગુજરાતીમાં કોમ્પ્યુટરના ઉપયોગ માટેનાં `બેઝિક‘ સાધનો – વર્ડ પ્રોસેસર, કી-બોર્ડસ, ઓ.સી.આર, સ્પેલચેકર અને થોડા `રેફરન્સ સોર્સિસ‘ જેવા કે શબ્દકોષ, થેસરસ, એનસાઈક્લોપેડિયા વગેરે જેટલાં જલદી વધુ ઉપલબ્ધ થશે એટલો ગુજરાતી ભાષાને વધારે અને વધારે વેગ મળશે. કમ્પ્યૂટર પર ગુજરાતીનો પ્રયોગ આજે જે `શોખ‘ કે `નવાઈ‘ની વાત લાગે છે એ આવતીકાલ માટેની તૈયારી છે. ગુજરાતી વેબની પાંખે ઉડશે એ દિવસે એ ખરા અર્થમાં વિશ્વ-ગુર્જરી બનશે.”
તમે શું કહો છો?
————————————-
આ લેખમાં એવા ઘણા બ્લોગ કે સર્વિસનો ઉલ્લેખ છે જેની મુલાકાત લેવાની આપને ઇચ્છા થશે. ઇન્ટરનેટ પર એમને શોધી કાઢવાનો સૌથી સહેલો રસ્તો છે સર્ચિંગ. સવાલ એ થાય કે ગુજરાતીમાં સર્ચ કેવી રીતે કરશો? એનો સહેલો રસ્તો આપ્યો છે અમેરિકાસ્થિત વિશાલ મોણપરાએ. વિશાલે એવું ગુજરાતી ટાઇપપૅડ તૈયાર કર્યું છે, જેમાં તમે અંગ્રેજીમાં gujarata લખો એટલે ગુજરાતીમાં `ગુજરાત‘ વાંચવા મળે! નેટ પર જ, એ ટાઇપપેડમાં ગુજરાતી લખો, કોપી કરો અને ગૂગલના સર્ચબોક્સમાં પેસ્ટ કરી સર્ચ કરો! આ ટાઇપપૅડની લિંક છે : http://service.vishalon.net/pramukhtypepad.htm
Filed under: સાયબરસફર | 21 Comments »
ઓરકૂટ વિશે સાંભળી સાંભળીને (કે એનો ઉપયોગ કરી કરીને – જેવી જેની કેટેગરી!) તમે થાક્યા હશો. હવે એના ગુજરાતી અવતાર સમા, ગુગજરાતીઓ માટેના અને ગુજરાતીમાં (પણ ઓરકૂટ કરતાં અલગ પડીને, સદભાવના સાથે) ચાલતા સોશિયલ નેટવર્કની મુલાકાત લેવી હોય તો ક્વિક-ક્લિક કરો અહીં! આમાંથી પ્રેરણા લઈને ધારો તો તમારું પોતાનું સોશિયલ નેટવર્ક પણ બનાવી શકશો – મફતમાં!
Filed under: ક્વિક-ક્લિક | 3 Comments »
ગયા અઠવાડિયે આપણે, ગેરકાનૂની પ્રવૃત્તિઓ માટે કોઈ ઇ-મેઇલ સ્પૂફિંગ કરીને આપણા આઇડીનો ઉપયોગ કરી શકે એની વાત કરી હતી. વાત માત્ર ઇ-મેઇલ પૂરતી સીમિત નથી.
હવે વેબ ૨.૦ના જમાનામાં, જેમાં મારા-તમારા જેવા નેટયુઝર્સ પણ કન્ટેન્ટ જનરેટ કે શૅર કરી શકે છે એવા સમયમાં, નેટ પર ડગલે ને પગલે તમારા આગવા એકાઉન્ટ માટે આઇડી અને પાસવર્ડ નક્કી કરવાં પડે છે. બ્લોગ લખવા, ફ્રેન્ડ્સ સાથે ચૅટ કરવા, નેટ પર નોકરી શોધવા, લગ્ન માટે યોગ્ય પાત્રની શોધ કરવા… બધાંમાં જોઈએ પાસવર્ડ. બધી રીતે ગોઠવાયા પછી નેટબેંકિંગનો ઉપયોગ શરૂ કરો તો પણ જોઈએ પાસવર્ડ. આ બધામાં નેટબેંકિંગના પાસવર્ડ જો કોઈ ‘ચોરી’ જાય તો સૌથી વધુ ઉપાધિની શક્યતા.
તો ‘ફૂલપ્રૂફ’ પાસવર્ડ કેવી રીતે બનાવવા? ગાંધીનગરથી વાચકમિત્ર અશ્વિન જાટીયાએ મોકલેલી આ ‘પાસવર્ડ પ્રોટેકશન ટીપ્સ’ ખરેખર ઉપયોગી થાય તેવી છે…
· નક્કી કરેલ પાસવર્ડમાં ઓછામાં ઓછા છ અક્ષર હોય તે જરૂરી છે.
· ડિક્સનરી કે શબ્દકોશમાં હોય તેવા શબ્દો ક્યારેય પાસવર્ડ માટે નક્કી કરવા ન જોઈએ. તેમ જ બીજે ક્યાંય ઉપયોગ કર્યો હોય તે પાસવર્ડ અન્ય જગ્યાએ ક્યારેય ન વાપરવો જોઈએ.
· કી-બોર્ડ પેટર્ન મુજબ પાસવર્ડ નક્કી ન કરવો (જેમ કે, asdf). તે જ રીતે સળંગ નંબર પણ ન આપવા જોઈએ (જેમ કે, ૧૨૩૪).
· પાસવર્ડમાં આલ્ફાબેટ (એબીસીડી) નમરીકલ (નંબર/આંકડા) તથા વિવિધ સાઇન્સ (નિશાની)નો ઉપયોગ કરવાથી તે વધુ સલામત બને છે. આ ઉપરાંત લોઅર કેસ તથા અપર કેસનો ઉપયોગ પણ કરવો જોઈએ (જેમ કે, ParK#28)
· ફક્ત લોઅર કેસ, ફક્ત અપર કેસ અથવા ફક્ત નંબરનો ઉપયોગ કરવો ન જોઈએ.
· કલ્પના શક્તિ દોડાવીને સ્પેશ્યલ કેરેકટર બનાવો. જેમ કે ઝીરો માટે ‘ઓ’ અથવા એસ માટે ‘ડોલર’ જેવી નિશાનીનો ઉપયોગ કરી શકાય. Ashwin માટે @$hwin એ મુજબ પાસવર્ડ બનાવીએ તો બીજા માટે આ પાસવર્ડની કલ્પના કરવી મુશ્કેલ બનશે.
· થોડા વધુ આગળ વધીને (કે રીક્ષાચાલકો પાસેથી પ્રેરણા મેળવીને!) નવા પ્રકારનાં વાક્યો પણ બનાવી શકાય. જેમ કે Love to Laugh માટે તમે Luv2L@f લખી શકો.
· શકય હોય ત્યાં સુધી કોઈ પણ કેરેકટર રીપીટ કરવાં ન જોઈએ. (જેમ કે dd11).
· કોઈ પણ ટીપ્સ આપી હોય ત્યાંથી તેની નકલ કરીને એનો એ જ પાસવર્ડ ક્યારેય આપવો નહીં.
· તમારો પાસવર્ડ કોઈને ક્યારેય બતાવવો નહીં તેમ જ પાસવર્ડ ક્યાંય લખવો પણ નહીં. કોઈને પાસવર્ડ આપવાની જરૂર ઊભી થાય તો ઇ-મેઇલ કે એસએમએસથી ક્યારેય પાસવર્ડ મોકલવો ન જોઈએ.
· જ્યાં આઇડી તરીકે તમારું ઇ-મેઇલ આઇડી આપવાનું હોય ત્યાં અચૂક નવો પાસવર્ડ બનાવો. ઇ-મેઇલ એકાઉન્ટનો પાસવર્ડ ભૂલેચૂકે પણ ન લખવો નહીં.
સૌથી અગત્યની વાત, થોડા થોડા સમયે તમારો પાસવર્ડ બદલતા રહો. સલામતીની સાથેસાથે કલ્પનાશક્તિ અને યાદશક્તિ પણ વધશે!
Filed under: સાયબરસફર | 6 Comments »
તમે હજી તો આ લેખ વાંચવાની શરૂઆત કરી હોય, ત્યાં ડોરબેલ વાગે અને તમે ઊભા થઈ દરવાજો ખોલો, તો સામે, આતંકવાદીઓના ઇમેઇલનું પગેરું દબાવતી પોલીસ ઊભી હોય એવું બની શકે છે. પછી, તમે નિર્દોષ નાગરિક છો એવું સાબિત કરવાની જવાબદારી તમારી.
રૂવાડાં ઊભાં થઈ ગયાં? હમણાં અમદાવાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ પહેલાં એ વિશે મીડિયાને જાણ કરતા ઇમેઇલનું મૂળ શોધતી પોલીસ નવી મુંબઈના એક એપાર્ટમેન્ટ સુધી પહોંચી. કોમનસેન્સ કહે છે કે આતંકવાદ સાથે સંકળાયેલી વ્યક્તિ પોતાના ઘરેથી આવા ઇમેઇલ કરે નહીં, પણ પોલીસે તો તપાસ કરવી જ રહી. એ કેસમાં જે સત્ય બહાર આવે તે, ટૂંકી વાત એટલી કે આવું મારી-તમારી કોઈની પણ સાથે થઈ શકે છે, કેમ કે ઇમેઇલ સ્પૂફિંગનો શિકાર કોઈ પણ બની શકે છે.
શું છે આ ઇમેઇલ સ્પૂફિંગ? સાદી ભાષામાં કહીએ તો, તમે જેને ઓળખતા પણ ન હો એવી કોઈ ભળતી જ વ્યક્તિ તેના ઇમેઇલ ‘તમારા નામે ચઢાવીને’ બીજાને મોકલે તેને ઇમેઇલ સ્પૂફિંગ કહેવાય. આવા ઇમેઇલમાં વાઇરસ મોકલ્યા હોય કે કોઈને ગાળો ભાંડી હોય, કોઈને અશ્લિલ ફોટોગ્રાફ મોકલ્યા હોય કે બોમ્બ બ્લાસ્ટની આગોતરી શેખી કરી હોય – આવી કોઈ પણ ગુનાહિત બાબતની જવાબદારી તમારા શિરે આવે કેમ કે એ ઇમેઇલના મથાળે ઇમેઇલ મોકલનાર તરીકે, ‘ફ્રોમ’માં તમારું ઇમેઇલ આઇડી હોય. પછી તમારા કમ્પ્યૂટરનું આઇપી એડ્રેસ મેળવીને તમારા દરવાજે ટકોરા મારતાં પોલીસને વાર લાગે નહીં.
ઇન્ટરનેટની જેટલી ઉજળી બાજુ છે એનાથી કંઈક ગણી વધુ કાળી, બિહામણી બાજુ છે. અહીં તમારે પોતે જ સાવધ રહેવાનું છે. તમારા બચાવ માટે તમારે કેટલીક બાબતોની ખાસ કાળજી લેવી પડે. જેમ કે…
અને છેલ્લી વાત, સાયબરઅંડરવર્લ્ડ આપણી વાસ્તવિક દુનિયા કરતાં વધુ ખરાબ નથી. કારણ કે એના કર્તાહર્તા વાસ્તવિક દુનિયાના જ છે. માટે એનાથી ડરવાને બદલે, સાવધ રહીને ઇન્ટરનેટની ઉજળી બાજુનો મહત્તમ લાભ લઈએ!
Filed under: સાયબરસફર | 4 Comments »
“Write to be understood, speak to be heard, read to grow…”
- Lawrence Clark Powell quotes (American Librarian, Writer and Critic, 1906-2001)
Filed under: જે ગમ્યું... | 1 Comment »
‘‘પ્રેમ, સંતોષ અને નમ્રતા મારી સૌથી મોટી મૂડી છે જેનું હું જતન કરું છું અને સંઘરી રાખું છું.
હિંમત વગર પ્રેમ શક્ય નથી.
ઉદારતા વિના સંતોષ શક્ય નથી
અને નમ્રતા વિના સત્તા શક્ય નથી.’’
- લાઓત્સે
(નવનીત સમર્પણ, નવેમ્બર ૨૦૦૧)
Filed under: જે ગમ્યું... | Tagged: નવનીત સમર્પણ, લાઓ ત્સે | Leave a Comment »
યુનિકોડ માટે માઇક્રોસોફ્ટનું ઇન્સ્ક્રીપ્ટ કીબોર્ડ વાપરતા લોકોને ખ્યાલ હશે કે એમાં નાની નાની ઘણી ખામી છે. જેમ કે, આશ્ચર્યચિહ્ન, અવતરણ વગેરે માટે આપણે નમરીક કીબોર્ડના લાંબા રસ્તા લેવા પડે છે. અને એમએસ ૨૦૦૩માં આંકડા અંગ્રેજીમાં જ લખાય છે.
આવી બધી ખામી સુધારીને, સરસ મજાનું નવું કી-બોર્ડ બનાવીને સૌને પ્રેમથી ભેટ આપ્યું છે શ્રી માવજીભાઈએ. સાથે ઇન્સ્ક્રીપ્ટ કી-બોર્ડનો રસપ્રદ, માહિતીસભર ઇતિહાસ પણ આપ્યો છે.
ડાઉનલોડ કરવા માટે પહોંચી જાવ એમની સાઈટ પર!
Filed under: ક્વિક-ક્લિક | Tagged: કી-બોર્ડ, માવજીભાઈ | 5 Comments »
‘‘વાણી દ્વારા માણસ મનુષ્યલોક સાથે અને ગીત દ્વારા માણસ વિશ્વપ્રકૃતિ સાથે મિલન સાધે છે.’’
- રવીન્દ્રનાથ ટાગોર
(નવનીત સમર્પણ, ઑગસ્ટ ૨૦૦૮)
Filed under: જે ગમ્યું... | Tagged: ટાગોર, નવનીત સમર્પણ | 1 Comment »
સાચું શિક્ષણ કોને કહેવાય? કદાચ એ, જે આપણને શીખતાં શીખવે. શિક્ષણનો હેતુ જ્ઞાન આપવાનો નહીં, પણ કુતૂહલ કેળવવાનો છે. જિજ્ઞાસા જાગવી જોઈએ. અને સાચા શિક્ષક પણ એ જ, જે પોતે સતત શીખતા રહે.
‘સાયબરસફર’ની ગાડી આજે આમ શિક્ષણના પાટે ચઢી જવાનું કારણ છે કચ્છના આદિપુરની એક કૉલેજનાં ફેકલ્ટી વૈદેહીબહેન દેસાઈનો એક ઇ-મેઇલ. વૈદેહીબહેન એમના વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ તરફ પ્રોત્સાહતિ કરતાં રહે છે. જો બધા શિક્ષકો વૈદેહીબહેનને અનુસરે તો આપણી શિક્ષણ વ્યવસ્થામાં ધરમૂળથી પરિવર્તન આવી જાય, કેમ કે જ્ઞાનની આપણી શોધને અનેકગણી વિસ્તારવાની અફાટ શક્તિ છે ઇન્ટરનેટમાં. બસ, જિજ્ઞાસા હોવી જોઈએ.
એ માટે ઝાઝી મહેનત કરવાની પણ જરૂર નથી. લાખ દુ:ખોં કી એક દવાની જેમ, ગૂગલ આ માટે પણ આપણી સેવામાં હાજર છે. ગૂગલે ‘ગૂગલ ફોર એજ્યકેટર્સ’ નામે ખાસ શિક્ષકો માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં ગૂગલની વિવિધ સર્વિસીઝ, ટૂલ્સ કે સોફ્ટવૅરનો ક્લાસરૂમમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે તે શિક્ષકોને વિગતવાર સમજાવવામાં આવે છે.
ગૂગલ તો આપણને બધું સમજાવવા મથે છે, પણ આપણે પોતે સમજવાની વાત એ છે કે એજ્યુકેટર્સ એટલે માત્ર શિક્ષકો કે પ્રોફેસર્સ નહીં. જો આપણા બાળકની આખા વિશ્વ કે જ્ઞાનબ્રહ્માંડ સાથે ફ્રેન્ડશીપ કરાવવી હોય તો ગૂગલ ફોર એજ્યુકેટર્સ આપણા માટે પણ કામનું છે.
ગૂગલ લગભગ કોઈ વાતે કાચું રાંધતું નથી, એટલે અહીં પ્રિન્ટ કાઢીને ક્લાસરૂમમાં (અને આપણા ઘરમાં!) લગાવી શકાય એવાં, બાળકોને ગમે તેવાં પોસ્ટર્સ પણ તૈયાર કરીને મૂકવામાં આવ્યાં છે. જેમ કે, ગૂગલ એટલે સર્ચનો પર્યાય એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ નાનાં બાળકો માટે સર્ચ કરીએ ત્યારે કઈ વાતનું ધ્યાન રાખીએ તો સહેલાઈથી ધાર્યાં પરિણામ મળે તે સમજાવતું પોસ્ટર અહીં મળશે.
શાળાઓમાં કમ્પ્યૂટરના ક્લાસમાં વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ વગેરે શીખવવામાં આવે છે. ગૂગલ આ જ પ્રકારના પ્રોગ્રામ ઓનલાઇન આપે છે. તેનો વિદ્યાર્થીઓ કઈ રીતે ઉપયોગ કરી શકે તે અહીં જાણી શકાય છે. ગૂગલનો સ્કેચઅપ પ્રોગ્રામ ડાઉનલોડ કરીને બાળકો જુદી જુદી ઇમારતો કે ચીજવસ્તુનાં ૩-ડી મોડેલ સર્જી શકે છે. બાળક એક વાર એનો ઉપયોગ કરે તો ક્રિએટિવિટીની, એની ને આપણી, બિલકુલ નવીનક્કોર સમજ કેળવાય!
સૌથી રસપ્રદ છે ગૂગલ અર્થ, ગૂગલ મૅપ અને ગૂગલ સ્કાય. બાળકો આ ત્રણ પ્રોગ્રામનો ઉપયોગ કરતાં થાય તો એમને ક્લાસરૂમમાં ઇતિહાસ, ભૂગોળ, ખગોળવિજ્ઞાન વગેરે ક્યારેય બોરિંગ ન લાગે એની ગેરંટી.
આ બધું જ ગૂગલ તરફથી છે, એટલે સમજવાનું કે વાપરવાનું બિલકુલ સરળ છે. શરત માત્ર ઉપર કહ્યું એટલી જ છે – આપણાં બાળકો માટે આપણામાં જિજ્ઞાસા હોવી જોઈએ! આપની જિજ્ઞાસા ચકાસવા જ અહીં ગૂગલ ફોર એજ્યુકેટર્સની સીધી લિંક આપી નથી – જાતે શોધી લો, પ્લીઝ!
Filed under: સાયબરસફર | 5 Comments »
ઇન્ટરનેટ પર નવાંસવાં ડગ માંડનારા લોકોની એક કાયમી ફરિયાદ હોય છે – તેમને નેટ પર બહુ ઝડપથી કંટાળો આવી જાય છે! એવું કેમ થાય છે? કારણ કે ચોતરફથી સાંભળ્યું તો ઘણું હોય કે ઇન્ટરનેટ એટલે રસપ્રદ માહિતીનો દરિયો – જે જોઈએ તે ચપટીમાં મળી જાય (આવી હવા ભી કરવામાં અમારા જેવાનો વાંક પણ ખરો!) પછી ખરેખર નેટ ચાલુ કરીને બેસો ને ગૂગલમાં સર્ચિંગ કરો તો લાંબાંલચક લિસ્ટ આવે. એમાં કઈ લિંક કામની હશે એ ઝટ સમજાય નહ, એક-બે લિંક ટ્રાય કરો તો લાગે કે કંઈક ભળતું જ ઓપન થયું અને પછી આવે કંટાળો!
ખરું કારણ એ છે કે આપણને મોટા ભાગે વિષય કે પ્રકાર પ્રમાણે જોઈતી માહિતી શોધવાની આદત હોય છે – એકલદોકલ શબ્દ પ્રમાણે નહ. આપણાં રોજિંદાં પુસ્તકાલયોમાં (સાચ્ચું કહેજો, છેલ્લે ક્યારે ગયા હતા?) પહેલાં લેખક કે નવલકથા કે કવિતા જેવા વિભાગના કબાટ શોધીએ અને પછી જોઈતું પુસ્તક શોધીએ. કારણ કે ત્યાં `રક્ત ટપકતી સો સો ઝોળી‘ એવું લખતાં ઝવેરચંદ મેઘાણીનું `કોઈનો લાડકવાયો‘ ગીત ધરાવતું પુસ્તક કે તેનું પાનું સામે આવે એવી કોઈ વ્યવસ્થા નથી. ઇન્ટરનેટમાં એવી સગવડ છે તો એની આપણને હજી આદત નથી!
આનો ઉપાય છે ધ ઇન્ટરનેટ પબ્લિક લાઇબ્રેરી. ઇન્ટરનેટ હજી પશ્ચિમમાં પણ નવું નવું હતું ત્યારે, એટલે કે છેક ૧૯૯૫માં અમેરિકાની યુનિવર્સિટી ઑફ મિશીગન સ્કૂલ ઑફ ઇન્ફર્મેશનના પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓને પુસ્તકાલયોમાં રહેલાં વાસ્તવિક પુસ્તકો, ઇન્ટરનેટ પર વિખરાયેલા પડેલા જ્ઞાન અને ઇન્ટરનેટ પર સાચી, વિશ્વસનીય માહિતી માટે ફાંફાં મારતા મારા-તમારા જેવા લોકોને સાંકળવાનો વિચાર આવ્યો. ઇન્ટરનેટ પહેલાં આંગળી ચધવાનું પુણ્ય ગ્રંથપાલો મેળવતા હતા. એ જ કામ લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓએ ઇન્ટરનેટ પર પણ ઉપાડી લીધું. પછી તો બીજી યુનિવર્સિટી પણ આ પ્રોજેક્ટમાં સંકળાઈ, ઇન્ટેલ અને સન માઇક્રોસિસ્ટમ્સ જેવી ધરખમ કંપનીઓનો ટેકો મળ્યો એટલે ઇન્ટરનેટ પરની આ પબ્લિક લાઇબ્રેરી વધુ ને વધુ વિકસવા લાગી.
અત્યારે આ સાઇટને રોજની એક લાખથી વધુ `હીટ્સ‘ મળે છે. આ સાઇટ વાસ્તવિક લાઇબ્રેરી જેવું જ માળખું ધરાવે છે. અહ પણ કીવર્ડ પ્રમાણે સર્ચ કરવાની સગવડ તો છે જ, પણ વિષય પ્રમાણે ડા તરવાની સુવિધા પણ છે. ભવિષ્યના લાઇબ્રેરિયન્સ અહ જુદા જુદા વિષય અને પેટાવિષય અનુસારની માહિતી આપતી વેબસાઇટ્સ શોધી, તેનું મૂલ્યાંકન કરી, યોગ્યની પસંદગી કરી, વ્યવસ્થિત ગોઠવી, તેનો ટૂંક સાર આપીને આપણી સમક્ષ મુકે છે! વાસ્તવિક લાઇબ્રેરીની જેમ અહ તમને દુનિયાભરનાં અખબારો પણ વાંચવા મળશે ને કીડ્સસ્પેસ અને ટીનસ્પેસ જેવા ખાસ વિભાગો પણ મળશે, તેમ જાતભાતની ડિક્ષનરી અને એન્સાયક્લોપીડિયાની લિંક પણ મળશે. કહેવાની જરૂર ખરી કે અહ ફ્રી વેબસાઇટ્સની જ લિંક આપવામાં આવે છે?
પુસ્તકાયલની વાત નીકળી છે તો એક ગુજરાતી ઇ-બુકની પણ વાત કરી લઈએ – સંખ્યાબંધ ગુજરાતી બ્લોગર્સ જેમને પ્રેમથી સુરેશદાદા કહે છે એવા શ્રી સુરેશભાઈ જાનીની આ સાઇટ પરથી એક નિ:શુલ્ક ગુજરાતી ઇ-બુક ડાઉનલોડ કરી શકાશે. પુસ્તક ઊંઝા જોડણીમાં છે, પણ ઇ-બુક કેવી હોય અને નિવ્ત્તિ પછીય બ્લોગ કોઈને કેટલા પ્રવૃત્ત રાખી શકે છે એ પણ જોઈ-જાણી શકાશે!
Filed under: સાયબરસફર | 6 Comments »
‘સાયબરસફર’માં આપણે આપણને વ્યક્તિગત રીતે ઉપયોગી સર્વિસીઝ વિશે તો વારંવાર જાણીએ છીએ, આજે દેશની સેવા માટે પણ ઇન્ટરનેટનો કેવો સરસ ઉપયોગ થઈ શકે એ જાણીએ.
થોડા સમય પહેલાં, હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડનું કોર્પોરેટ કોમ્યુનિકેશન સંભાળનારા કેટલાક લોકો આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. કલાકમને મળવા ગયા હતા. નસીબજોગે, ડૉ. કલામ થોડી જ વાર પહેલાં એક ટીવી ઇન્ટરવ્યૂમાંથી પરત ફર્યા હતા. સામે મીડિયા સાથે ઘરોબો ધરાવતા લોકો બેઠા છે એવો અંદાજ આવતાં જ ડૉ. કલામ વરસી પડ્યા, `આપણાં અખબારો ખરેખરી સફળવાની વાતોને કેમ પ્રકાશમાં લાવતાં નથી? અજાણી પ્રતિભાઓને આપણે આગળ કેમ કરી શકતા નથી? રાજકારણ, ગુનાખોરી, જાતિવાદ… આ બધું ક્યાં સુધી?”
સામે બેઠેલા લોકોએ ડૉ. કલામને સૂચન કર્યું, “તો આપણે આપની પસંદનું અખબાર શરૂ ન કરી શકીએ?” ડૉ. કલામે તરત દોર પકડી લીધો. કહ્યું, “ફૅન્ટાસ્ટિક, વેબપેપર થઈ શકે. ચોક્કસ!” અને એ રીતે જન્મ થયો, ડૉ. કલામના સ્વપ્નના ભારતનો મજબૂત પાયો તૈયાર કરનારા લોકોને વિશ્ર્વ સમક્ષ મૂકતા ઇ-પેપર `બિલિયન બીટ્સ‘નો. એક અબજ લોકોનો અવાજ, ઇન્ટરનેટ પર!
એનો પહેલો અંક હતો માત્ર એક પાનાનો! ડૉ. કલામને ભારતના લોકોની શક્તિમાં વિશ્વાસ છે એનું આ સ્પષ્ટ ઉદાહરણ. બીજું કોઈ અખબાર શરૂ લૉન્ચ થવાનું હોય તો પહેલાં મોટા પાયે સર્વે થાય, શું વેચાશે, એના અંદાજ મુકાય, પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થાય, એનાલિસિસ થાય અને પછી વાત આગળ વધે.. અહીં તો વિચાર રજૂ થયો અને ફક્ત એક પાનાથી એનો પ્રારંભ કરી દેવામાં આવ્યો. લોકો જ એને આગળ વધારશે એવા વિશ્ર્વાસથી. ડૉ. કલામે આશા બતાવી છે કે “બિલિયન બીટ્સ છૂટાછવાયા કૌશલ્યને એક સૂત્રે પરોવશે.”
અને ખરેખર, `બિલિયન બીટ્સ‘ના અંકો પર નજર ફેરવીએ તો સામાન્ય રીતે જેમની અને જે પ્રકારની વાતો અખબારોમાં વાંચવા નથી મળતી, એવા અજાણ્યા લોકોની અજાણી વાતો અહ વાંચવા મળે છે. એવા લોકોની એવી વાત, જે ભારતને તે આજે છે ત્યાંથી આગળ લઈ જવા સક્ષમ હોય. ક્યાંય નિરાશાનો કોઈ સૂર નહીં.
આ `બિલિયન બીટ્સ‘ના બીજા અંકમાં લખાયું છે કે પહેલો અંક નેટ પર મૂકાયા પછી એના તંત્રીઓ પર ભારતીયોએ ઇ-મેઇલનો ધોધ વરસાવ્યો છે (`બિલિયન બીટ્સ‘ના તંત્રીઓ પર આપણે ભરોસો મૂકી શકીએ!) પ્રશંસા, વેદના, મીડિયાની ટીકા, ભ્રષ્ટ રાજકારણ સામેનો આક્રોશ, અપેક્ષા, સૂચન… અનેક પ્રકારના ઇમેઇલ ઠલવાયા છે બિલિયન બીટ્સના ઇનબોક્સમાં, સક્ષમ ભારતના ભાવિની આશાએ.
ઇ-પેપરની કૅચલાઇન પણ એ જ છે : ઇટ્સ પોસિબલ! બધું જ શક્ય છે! અત્યાર સુધીમાં `બિલિયન બીટ્સ‘ના સાત અંક તૈયાર થયા છે. તમને પણ જરા જુદા પ્રકારના વાંચનમાં રસ હોય તો પહોંચો ડૉ. કલામની સાઇટ પર. અહીં ડૉ. કલામ વિશે બીજું પણ ઘણું ઘણું જાણવા મળશે.
Filed under: સાયબરસફર | 1 Comment »
ઇન્ટરનેટનું એક મસ્ત પાસું છે ચૅટિંગ. આંખો ઝીણી અને કાન સરવા થયા? ચૅટિંગ વિશે અત્યાર સુધીમાં ઘણું સાંભળ્યું હશે અને એમાંથી ઘણું ન સમજાયું હોય તો આજની સફર તમારે નામ. ઇન્ટરનેટની મદદથી અલગ અલગ કમ્પ્યૂટર સામે બેઠેલી વ્યક્તિઓ વાતચીત કરે એ કહેવાય ચૅટિંગ.
ચૅટિંગને ઇન્સ્ટન્ટ મેસેજિંગ (આઇએમ) પણ કહે છે. ગૂગલ, યાહૂ, એમએસએન, સ્કાઇપ, એઓએલ વગેરે કંપનીઓ આ આઇએમની સર્વિસ આપે છે. ગૂગલ અને યાહૂમાં તો ઇ-મેઇલ સાથે જ ચૅટ પ્રોગ્રામ સાંકળી લેવામાં આવ્યા છે. ગૂગલટૉક અને યાહૂ મેસેન્જરની અલાયદી સર્વિસ પણ ખરી. તેમ, એક વાર ડાઉનલોડ કરીને વાપરવાના કે વેબ પરથી જ ઉપયોગ કરવાના વિકલ્પ પણ ખરા.
ગૂગલના તમારા ઇ-મેઇલ એકાઉન્ટમાં સાઇન-ઇન થાઓ એટલે ગૂગલનું એકાઉન્ટ ધરાવતા તમારા અન્ય મિત્રોમાંથી કોણ કોણ એ ક્ષણે ઓનલાઇન છે એટલે કે ઇન્ટરનેટમાં સર્ફિંગ કરે છે એની તમને ખબર પડી જાય (જો એમણે પોતે `ઇન્વીઝબલ‘ રહેવાનું પસંદ કર્યું ન હોય તો). બસ, પછી જે ઓનલાઇન હોય એના નામ પર ક્લિક કરી, નવા ખૂલતા બોક્સમાં ફટાફટ મેસેજ લખીને એન્ટર કી પ્રેસ કરો એ સાથે તમારા મિત્રના સ્ક્રીન પર તમારો મૅસેજ ઝબૂકી ઉઠે (જે જોઈને તમારા મિત્ર રાજી પણ થાય અને અકળાઈ પણ ઠે, જેવા તમારા સંબંધ અને તમારી છાપ!). ચૅટિંગ સાથે ફાઇલ ટ્રાન્સફર, વોઇસ ચૅટિંગ અને વીડિયો ચૅટિંગની સવલત પણ ઉમેરાઈ ગઈ છે.
કમ્યુનિકેશનની દુનિયામાં અને ભાષામાં પણ આ ઇન્સ્ટન્ટ મેસેજિંગે ગજબની ક્રાંતિ લાવી દીધી છે. ઇ-મેઇલ કરતાં પણ એ ફાસ્ટ હોવાથી, ઑફિસોમાં અને દોસ્તો વચ્ચેની ગપસપમાં એનો સખ્ખત ઉપયોગ થાય છે, વળી એસએમએસની જેમ ચૅટિંગમાં કોઈ ખર્ચ નહ! ચૅટિંગ જોર એટલું વધ્યું કે કેટલીક કંપનીઓએ એનો ઉપયોગ ફરજિયાત બંધ કરાવવો પડ્યો.
ચૅટિંગના ખાટલે સૌથી મોટી ખોડ એક જ વાતની કે હજી હમણાં સુધી એક કંપનીનું એકાઉન્ટ ધરાવનાર એ જ કંપનીનું એકાઉન્ટ ધરાવતા મિત્રો સાથે ચૅટિંગ કરી શકતા હતા. જીમેઇલવાળા યાહૂ સાથે વાત ન કરી શકે. બ્રાહ્મણ હોય તે વાણિયા સાથે વાત ન કરી શકે એના જેવું કંઇક. સ્થિતિ હવે કંઈક બદલાઈ છે. ગૂગલની ઝક ઝીલવા એમએસએન અને યાહૂએ જોડાણ કર્યું છે તો ગૂગલે એઓએલ સાથે નાતો જોડ્યો છે.
અને હવે, એક વાચકમિત્ર મૃગેશ જાનીએ જાણ કર્યા મુજબ, મીબો નામની સાઇટ પર એક નવો જ રસ્તો શોધી કાઢવામાં આવ્યો છે. આ સાઇટ પર તમે ગૂગલ ટૉક, યાહૂ, એમએસએન અને બીજી આઇએમ સર્વિસમાં એક સાથે લોગઇન થઈ શકો અને એક જ વેબપેજ પરથી, બધાના સંપર્કમાં રહી શકો – ફ્રીમાં! ફાયરફોક્સનો ઉપયોગ કરતા લોકો તેમના બ્રાઉઝરમાં આ મીબોનું પ્લગ-ઇન ઉમેરી શકે છે, તેમ તમે તમારી વેબસાઇટ કે બ્લોગ પર પણ મીબોનું પ્લગ-ઇન ઉમેરી શકો. એમ કરવાથી શું થાય એ જાણવા માટે થોડાં જાતે જ ખાંખાંખોળાં કરી જુઓ!
અને હા એક અગત્યની વાત તો રહી જ ગઈ, યુનિકોડથી ગુજરાતીમાં લખવાની ફાવટ હોય તો ગુજરાતીમાં પણ ચૅટિંગ કરી શકો છો, મીબો પર!
Filed under: સાયબરસફર | 5 Comments »
આપણે અહીં મોટા ભાગે, રોજિંદા કામકાજમાં ઉપયોગી થાય એવી ઇન્ટરનેટની વિવિધ સર્વિસીઝ વિશે જાણકારી મેળવતા રહીએ છીએ, અને મોટા ભાગે, ઇન્ટરનેટનો ખાસ પરિચય ન ધરાવતા લોકોને વિશેષ ધ્યાનમાં રાખવામાં આવે છે. આજે, જેમને ઇન્ટનેટ સાથે પ્રમાણમાં વધુ ઘરોબો છે એવા લોકો માટે થોડી ‘ઝલકિયાં’. આમાંથી વાચકોને વધુ ઉપયોગી લાગે એ સાઇટ/ સર્વિસ વિશે થોડું વધુ વિગતવાર લખવાના પ્રોમિસ સાથે…
Filed under: સાયબરસફર | 3 Comments »
અમિતાભ બચ્ચન અને આમીર ખાનથી માંડીને હવે તો લાલુ પ્રસાદ યાદવ સુધીના લોકો બ્લોગ લખતા થઈ ગયા છે અને આ બધી સેલિબ્રિટીઝને કારણે લોકો બ્લોગ વિશે જાણતા અને એના વિશે ચર્ચા કરતા પણ થયા છે, પણ મોટા ભાગના લોકોને મૂંઝવતો સવાલ એ છે કે અલકમલકની વાતોના ખજાના જેવા આ બ્લોગ્સ સુધી પહોંચવું કઈ રીતે? સેલિબ્રિટીના બ્લોગનાં સરનામાં તો મીડિયામાંથી મળી રહે, પણ ખરેખર મજાના અને મહામહેનતે તૈયાર થયેલા, અજાણ્યા લોકોના બ્લોગ સુધી પહોંચવું હોય તો?
ગુજરાતી બ્લોગ્સમાં ખાંખાખોળાં કરવામાં તમને રસ હોય તો ખાસ તમારા માટે બે ટૂલબાર હાજર છે. ટૂલબાર શું છે એવો પ્રશ્ન જેમને થયો હોય એમના લાભાર્થે આ ટૂંકી સમજણ ટૂલબાર એટલે કામની વસ્તુને હાથવગી કરી આપતું સાધન! ઇન્ટરનેટ એક્સપ્લોરર કે મોઝિલા ફાયરફોક્સમાં જુદા જુદા ટૂલબાર ઇન્સ્ટોલ કરી શકાય છે. ગૂગલ, યાહૂ વગેરેના ટૂલબાર ઇન્સ્ટોલ કરો તો તેમની જુદી જુદી સર્વિસ તમારા બ્રાઉઝરના મથાળે રહેતા ટૂલબારમાં જોઈ શકાય અને ત્યાંથી તરત ઓપન કરી શકાય.
તો ગુજરાતી બ્લોગ્સના આવા ટૂલબાર બનાવ્યા છે બે ગુજરાતીપ્રેમીઓએ. એક છે મૂળ જામનગરના અને અત્યારે દુબઇમાં સ્થાયી થયેલા વેબડેવલપર નિલેશ વ્યાસ અને બીજા છે મૂળ ભૂજના પણ હાલ પૂણેમાં કાર્યરત પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્જિનીયર વિનય ખત્રી (નેટ પર લોકો એમને ‘અનિમેષ અંતાણી’ તરીકે ઓળખે છે!). બંને પોતાના વ્યાવસાયિક કામકાજમાં ગળાડૂબ, પણ ગુજરાતીના પ્રેમી. બંનેએ એક ઓપનસોર્સ (એ વળી શું? ક્યારેક વિગતે વાત!) પ્રોગ્રામની મદદથી, કોઈ આર્થિક હેતુ વિના આ કમ્યૂનિટી ટૂલબાર બનાવ્યા છે.
નિલેશભાઈનું ટૂલબાર અહીંથી ડાઉનલોડ કરી શકાશે. જ્યારે વિનયભાઈનું ટૂલબાર અહીં મળશે. બંનેનો હેતુ સમાન છે એટલે સ્પર્ધાનો સવાલ નથી, જાણવા પૂરતું જાણી લો કે કાકાસાબનું ટૂલબાર આઇઇમાં ચાલે છે, તો ફનએન્ડગ્યાનનું ફાયરફોક્સમાં પણ ચાલે છે અને તેમાં બ્લોગફીડની સંખ્યા ઘણી વધુ છે. બંને ટૂલબારમાં ગુજરાતી બ્લોગ્સને જુદી જુદી કેટેગરીમાં વર્ગીકૃત કરીને મૂકવામાં આવ્યા છે.
નિલેશભાઈ કંઇક અંશે તેમની પસંદગીને અનુસર્યા છે, તો વિનયભાઈએ સાહિત્યપ્રકાર અને કક્કાવારી મુજબ ક્રમના તટસ્થ અભિગમને અપનાવ્યો છે. જુદા જુદા બ્લોગ પર મુકાતાં તાજાં લખાણો પણ અહીં જાણીવાંચી શકાય. ટીવીની ન્યૂઝચેનલ પર નીચે સમાચારો સરકતા રહે છે એ જ રીતે. અહીં વધુ ફાયદો એ કે જે હેડિંગમાં રસ પડ્યો તેના પર ક્લિક કરો એટલે એ બ્લોગના, તે લેખ પર પહોંચી જાવ! વિનયભાઈ ભારપૂર્વક ઉમેરે છે કે આ ટૂલબાર બિલકુલ સલામત છે અને તે તમારા સર્ફિંગની નોંધ રાખતું નથી.
નિલેશભાઈ કહે છે કે ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાના ઉપયોગને વધુ ને વધુ પ્રોત્સાહન મળે એ માટે આવા ટૂલબાર ઉપરાંત બીજા પ્રયાસો પણ થવા જોઈએ. વિનયભાઈ કહે છે કે એક જ શબ્દ અંગ્રેજીમાં લખો કે ગુજરાતીમાં, સર્ચરિઝલ્ટ સરખું મળે એવું થાય તો ગુજરાતી ભાષાનો પ્રસાર ઘણો વધી શકે.
ટૂલબાર ડાઉનલોડ કર્યા પછી શું? બસ, પછી તો નીકળી પડો ઇન્ટરનેટ પરના ગુજરાતી સાયબરજગતમાં !
Filed under: સાયબરસફર | 1 Comment »